Tuesday - Sep 22, 2026

મોરબી-વાંકાનેર હાઇવે પર ટ્રેઇલરની ટક્કરે રીક્ષા અને બોલેરો ફંગોળાયા, એકનું મોત

મોરબી-વાંકાનેર હાઇવે પર ટ્રેઇલરની ટક્કરે રીક્ષા અને બોલેરો ફંગોળાયા, એકનું મોત

શૈલેષ કાંટા પાસે રીક્ષાને ટક્કર માર્યા બાદ ટ્રેઇલર બોલેરો સાથે અથડાયું; રીક્ષામાંથી પટકાયેલા યુવક પર ટાયર ફરી વળતાં ઘટનાસ્થળે જ કરુણ મોત

મોરબી : મોરબી-વાંકાનેર નેશનલ હાઇવે પર શૈલેષ કાંટા નજીક ટ્રક ટ્રેઇલર ચાલકે સીએનજી રીક્ષાને ટક્કર માર્યા બાદ બોલેરો ગાડીને પણ અડફેટે લેતા ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં રીક્ષામાં સવાર અને પોતાના ગામ કોઠારીયા જઇ રહેલા યુવક રોડ પર પટકાયા હતા. દરમિયાન ટ્રેઇલરનું ટાયર તેમના શરીર પરથી ફરી વળતાં ગંભીર ઇજાઓના કારણે યુવકનું કરુણ મોત નીપજ્યું હતું.

મૂળ જોડિયા તાલુકાના કોઠારીયા ગામના અને હાલ મોરબીના રફાળેશ્વર મચ્છુનગર વિસ્તારમાં રહેતા દેવજીભાઈ બચુભાઈ રેસિયા સીએનજી રીક્ષા નં. GJ-36-W-1768માં બેસીને કોઠારીયા ગામ તરફ જઈ રહ્યા હતા. દરમિયાન રીક્ષા મોરબી-વાંકાનેર નેશનલ હાઇવે પર શૈલેષ કાંટા નજીકથી પસાર થઈ રહી હતી ત્યારે ટ્રેઇલર નં. GJ-36-T-8058ના ચાલકે રીક્ષાને ટક્કર મારી હતી.

ટક્કરથી રીક્ષામાં સવાર દેવજીભાઈ રોડ પર પટકાયા હતા. અકસ્માતની ગંભીરતા એ હતી કે, તે જ સમયે ટ્રેઇલરનું ટાયર તેમના શરીર પરથી ફરી વળતાં તેમને ગંભીર ઇજાઓ પહોંચી હતી અને તેમનું મૃત્યુ નીપજ્યું હતું. અકસ્માત બાદ ટ્રેઇલર ચાલકે નજીકમાં રહેલી અન્ય એક બોલેરો ગાડીને પણ ટક્કર મારતા હાઇવે પર ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. આ બનાવ અંગે મૃતક દેવજીભાઈની પત્ની જયાબેન દેવજીભાઈ રેસિયા (રહે. રફાળેશ્વર, મચ્છુનગર, મોરબી, મૂળ કોઠારીયા, તા. જોડિયા)ની ફરિયાદના આધારે મોરબી તાલુકા પોલીસે ટ્રેઇલર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.