દારૂ પણ ડુપ્લીકેટ, ગોડાઉન ભાડે રાખવા રજૂ કરાયેલા ડોક્યુમેન્ટ પણ નકલી હોવાનું ખુલ્યું
મોરબી : મોરબીના શનાળા અને લજાઈ નજીક ચારેક મહિના પૂર્વે એસએમસીએ રેડ પાડી મસમોટા દારૂના જથ્થાને ઝડપી લીધો હતો. આ દારૂના ગુનામાં ફરાર બે આરોપીને એલસીબીની ટીમે રાજસ્થાનથી ઝડપી લીધા હતા. જો કે, આ દારૂ પણ ડુપ્લીકેટ, ગોડાઉન ભાડે રાખવા રજૂ કરાયેલા ડોક્યુમેન્ટ પણ નકલી હોવાનું ખુલ્યું હતું. આથી પોલીસે હાલ આ બન્ને આરોપીઓની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા ગત તા. ૨૩/૧/૨૦૨૫ ના રોજ મોરબી નજીક આવેલા ટંકારા તાલુકાના લજાઇ જી.આઇ.ડી.સી.માં સંકલ્પ ગોડાઉનની સામે આવેલ બંધ ગોડાઉનમાંથી ઇંગ્લીશ દારૂની અલગ-અલગ બ્રાંડની બોટલો નંગ-૨૧૪૭ કિ.રૂ.૧૧,૮૧,૪૧૪નો મુદામાલ પકડી આરોપીઓ વિરુધ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવવામાં આવ્યો હતો. આ સાથે ગત તા.૨૬/૧/૨૦૨૫ ના રોજ મોરબીના શક્ત શનાળા ગામના પાટીયા પાસેથી આશરે ૩ કિ.મી.દૂર રાજપર ગામ તરફ રોડ ઉપર આવેલ આનંદ પાર્ટી પ્લોટની પાછળના ભાગે ગોડાઉનમાંથી ઇંગ્લીશ દારૂની બોટલો નંગ-૧૭૫૧૪ કિ.રૂ.૭૬,૩૯,૦૯૨ તથા અન્ય મુદામાલ મળી કુલ કિ.રૂ.૧,૧૧,૯૪,૨૧૨ નો મુદામાલ કબ્જે કરી ૪ આરોપીઓને સ્થળ ઉપરથી પકડી પાડી કુલ-૧૧ આરોપીઓ વિરુધ્ધ મોરબી સીટી એ ડિવિઝનમાં ગુનો નોંધાવવામાં આવ્યો હતો.
દરમિયાન એલસીબી અને પેરોલ ફર્લો સ્ક્વોડે ટિમો બનાવી મહારાષ્ટ્ર,ગોવા, કર્ણાટક તથા રાજસ્થાન રાજ્યમાં મોકલી તપાસ કરાવતા બન્ને ગુનામાં ઇંગ્લીશ દારૂનો જથ્થો મળી આવેલ તે તમામ દારૂ ડુપ્લીકેટ હોવાનું તેમજ કબ્જે કરેલી બિલ્ટી ખોટી હોવાનું તેમજ કબ્જે કરેલા વાહનો પણ ખોટા ડોક્યુમેન્ટ રજુ કરી ખરીદી કરેલા હોવાનું જાણવા મળ્યું હતું. આ સાથે ગોડાઉન ભાડા કરારથી ભાડે રાખનાર કમલેશ હનુમાનરામ રહે. અડાસર બિકાનેર નામની કોઈ વ્યક્તી નહી હોવાનું સામે આવ્યું હતું. આ ભાડા કરારથી ગોડાઉન ભાડે રાખનાર વ્યક્તીએ પોતાની ખોટી ઓળખ આપી ખોટા આધારકાર્ડ બનાવી તેમજ ખોટી સહીઓ કરી આ બન્ને ગોડાઉન ભાડે રાખેલ હોવાનું જણાય આવ્યું હતું.
આ બન્ને ગુનાઓમાં દશ જેટલા આરોપીઓની અટક કરવામાં આવી છે અને બાકી રહેતા આરોપીઓને પકડી પાડવા એલસીબીની ટિમ રાજસ્થાન રાજ્યમાં તપાસમાં મોકલી હતી. આ ટીમે આરોપી ગંગારામ હીરારામ પંવાર રહે રણોદર ગામ જી.જાલોર, રાજસ્થાન તથા હનુમાનારામ શંકરારામ શાહુ રહે. મિઠડા ખુર્દ જી.બાડમેર, રાજસ્થાનને પકડી મોરબી લાવી તપાસ હાથ ધરી છે.