Friday - Jul 03, 2026

મોરબીમાં ઘાતક દોરા એકત્ર કરી જીવદયાનું કાર્ય કરનાર શાળાની દીકરીઓનું સન્માન

મોરબીમાં ઘાતક દોરા એકત્ર કરી જીવદયાનું કાર્ય કરનાર શાળાની દીકરીઓનું સન્માન

વિદ્યાર્થીનીઓને મા જીવદયા ગ્રુપ દ્વારા કીટ અર્પણ કરી સન્માનિત કરાઈ

મોરબી :  મોરબીમાં શાળાઓ માત્ર પુસ્તકિયું જ્ઞાન જ નથી આપતી પરંતુ સમાજને નવો રાહ ચીંધવાનું પણ કામ કરે છે. મોરબીની પંચાસર ચોકડી પાસે આવેલી પીએમ માધાપરવાડી કન્યા શાળાએ ફરી એકવાર માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. મકરસંક્રાંતિ બાદ રસ્તા પર રઝળતા જોખમી દોરાઓ એકત્ર કરી વિદ્યાર્થીનીઓએ અસંખ્ય પક્ષીઓ અને વાહનચાલકોના જીવ બચાવવાનું પુણ્યનું કામ કર્યું છે.

મોરબીમાં ઘાતક દોરા એકત્ર કરી જીવદયાનું કાર્ય કરનાર શાળાની દીકરીઓનું સન્માન

મકરસંક્રાંતિ પર્વ પૂર્ણ થયા બાદ પણ ક્યાંક લબડતા તો ક્યાંક રસ્તા પર રઝળતા પતંગના દોરા વાહનચાલકો ખાસ કરીને ટુ-વ્હીલર ચાલકો માટે જીવલેણ સાબિત થતા હોય છે. અનેક લોકો ગળામાં દોરા ફસાવાને કારણે ગંભીર રીતે ઘવાતા હોય છે. આ ગંભીર સમસ્યાને ધ્યાને લઈ મોરબીની પીએમ માધાપરવાડી કન્યા શાળાની 400 જેટલી વિદ્યાર્થીનીઓએ એક ભગીરથ કાર્ય ઉપાડ્યું હતું. બાળાઓએ શાળાએ આવતા-જતા અને પોતાના રહેઠાણ વિસ્તારમાંથી આવા નકામા ઘાતક દોરાઓ વીણવાનું શરૂ કર્યું અને જોતજોતામાં કુલ ૬૪.૩૨૭ કિલો જેટલો જંગી જથ્થો એકત્ર કરી લીધો હતો. શાળાની નાની-નાની બાળાઓ દ્વારા એકત્ર કરાયેલા આ દોરાના જથ્થાને યોગ્ય નિકાલ માટે 'મા જીવદયા ગ્રુપ'ને અર્પણ કરવામાં આવ્યો હતો. બાળાઓમાં સેવા અને સંસ્કારનું સિંચન થાય તે હેતુથી મા જીવદયા ગ્રુપ દ્વારા આ કાર્યની ભારોભાર પ્રશંસા કરવામાં આવી હતી. પ્રોત્સાહન રૂપે, ૧ કિલોથી વધુ દોરા એકત્ર કરનાર શાળાની ૮૮ બાળાઓને ખાસ સન્માનિત કરવામાં આવી હતી. સંસ્થા દ્વારા આ દીકરીઓને લંચબોક્સ, છાશની બોટલ અને પ્રમાણપત્ર આપીને બિરદાવવામાં આવી હતી.

મોરબીમાં ઘાતક દોરા એકત્ર કરી જીવદયાનું કાર્ય કરનાર શાળાની દીકરીઓનું સન્માન
મોરબીમાં ઘાતક દોરા એકત્ર કરી જીવદયાનું કાર્ય કરનાર શાળાની દીકરીઓનું સન્માન