Thursday - Jul 02, 2026

હળવદ બાયપાસ પાસે એસટી બસના ડ્રાઇવર અને કંડકટર વચ્ચે ઝઘડાથી વગર વાંકે મુસાફરો હેરાન

હળવદ બાયપાસ પાસે એસટી બસના ડ્રાઇવર અને કંડકટર વચ્ચે ઝઘડાથી વગર વાંકે મુસાફરો હેરાન

હળવદ બાયપાસ ઉપર ભુજ-દાહોદ બસનો બનાવ : પોણો કલાક સુધી મુસાફરોએ મનાવ્યાં પછી કંડકટર માન્યાને બસ ચાલતી થઈ

હળવદ : હળવદ બાયપાસ પાસે ગત રાત્રે એસટી બસના ડ્રાઇવર અને કંડકટર વચ્ચે બોલાચાલી થતા કંડકટરે ડ્રાઇવરને લાંફા ઝીકી દીધા હતા. જેનાથી કંડકટર રિસાઈને બસમાંથી ઉતરી જતા મુસાફરો પોણો કલાક સુધી હેરાન થઈ ગયા હતા. જો કે બાદમાં મામલો થાળે પડી જતા મુસાફરોએ રાહતનો શ્વાસ લીધો હતો.

ભુજ-લુણાવાડા- દાહોદ રૂટની એસટી બસ દાહોદ તરફ જઈ રહી હતી. ત્યારે હળવદ બાયપાસે ભારત પેટ્રોલ પંપ પાસે હવા ભરવા માટે ઉભી રહી હતી. આ વેળાએ બસના ડ્રાઇવર અને કંડકટર વચ્ચે કોઈ બાબતે બોલાચાલી થઈ હતી. તેમાં ડ્રાઇવરે ઉશ્કેરાઈને કંડકટરને ધડાધડ ફડાકા ઝીકી દીધા હતા. જેમાં કંડકટરના ગાલ ઉપર લોહીના ટશીયા જામી ગયા હતા.

આ બનાવને પગલે કંડકટર બસમાંથી ઉતરી ગયા હતા અને સાથે આવવાની ના પાડી દીધી હતી. ત્યારબાદ મુસાફરોએ અને સ્થાનિકોએ કંડકટરને સમજાવ્યા હતા. આ સિલસિલો પોણો કલાક સુધી ચાલ્યો હતો. ત્યારબાદ કંડકટર સાથે આવવા માની જતા મામલો થાળે પડ્યો હતો. જો કે ડ્રાઇવર અને કંડકટર વચ્ચેની બબાલમાં મુસાફરોનો સમય બગડ્યો હતો. આ સમગ્ર ઘટના અંગે ધ્રાંગધ્રા ડેપો મેનેજરે એવું જણાવ્યું કે આ ઘટના અંગે મને ખ્યાલ નથી. અમને કોઈ ફરિયાદ મળી નથી.