મોરબી : મોરબી શહેરમાં રોજબરોજની ટ્રાફિકની અંધાધૂંધી વચ્ચે રવાપર ચોકડીએ ટ્રાફિક નિયમન કરાવી રહેલા ટ્રાફિક પોલીસ જવાન સાઈડ આપતા હતા ત્યારે સાઈડ તોડી વચ્ચે આવી ગયેલા એક્ટિવા ચાલકને રોકતા આ એક્ટિવા ચાલકે ગાળાગાળી કરી બાદમાં બ્લ્યુ કલરની સ્વીફ્ટમાં અન્ય બે શખ્સને બોલાવી પોલીસ કર્મીને ફૂટબોલની જેમ ઉડાવી દેવા ધમકી આપતા ફરજમાં રૂકાવટ સહિતની કલમો મુજબ ત્રણ વિરુદ્ધ ગુન્હો નોંધાયો છે.
પ્રાપ્ત વિગતો મુજબ ટ્રાફિકથી ધમધમતી રહેતી રવાપર ચોકડીએ તા.4ના રોજ સાંજના સાતેક વાગ્યાના અરસામાં ટ્રાફિક પોલીસમાં ફરજ બજાવતા જીજ્ઞેશભાઈ પ્રવીણભાઈ લાંબા પોતાની ફરજ બજાવતા હતા ત્યારે જીજે - 36 - એએમ - 8180ના ચાલક યસ મેરામભાઈ બાલાસરા નામના શખ્સે ટ્રાફિક સાઈડ તોડી વચ્ચે ઘુસી ગયો હતો. જેથી ટ્રાફિક કર્મચારી જીજ્ઞેશભાઈએ આરોપીને રોકતા બોલાચાલી કરી ઝઘડો કરી ટ્રાફિક જવાનને ગાળાગાળી કરી ચાલ્યો ગયો હતો. બાદમાં આરોપી યસ મેરામભાઈ બાલાસરા અન્ય બે વ્યક્તિ સાથે બ્લ્યુ કલરની સ્વીફ્ટ કારમાં ધસી આવ્યો હતો અને ટ્રાફિક જવાન જીજ્ઞેશભાઈને તું ટ્રાફિક પોઇન્ટ ઉપર ઉભો રહે તને ફૂટબોલની જેમ ઉડાવું છું કે નહીં તે જોજે કહી ધમકી આપી ફરજમાં રૂકાવટ કરતા બનાવ અંગે ત્રણ શખ્સ વિરુદ્ધ સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.