ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિની આગેવાનીમાં મોરબી ઉપરાંત રાજ્યના અન્ય જિલ્લાઓના હજારો ખેડૂતો જોડાવવાના હોવાથી ગુજરાતના ઇતિહાસમાં સૌથી મોટી ઐતિહાસિક ટ્રેક્ટર રેલી કાઢવાનો દાવો
મોરબી : ગુજરાત સરકારની ખેડૂત વિરોધી નીતિ સામે ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિ દ્વારા તા.2/02/ 2026 ના રોજ સવારે 9.30 વાગ્યાથી ખેડૂતોની ટ્રેક્ટર યાત્રા ટંકારાના અવસર પાર્ટી પ્લોટ, લતીપર રોડ ખાતેથી મોરબી કલેક્ટર કચેરી સુધી કાઢવાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મોરબી, કચ્છ, સુરેન્દ્રનગર, જામનગર, રાજકોટ, દ્વારકા, બનાસકાંઠા, પાટણ, થરાદ અને અમદાવાદ જિલ્લા સુધીના હજારો ખેડૂતો જોડાવાના હોવાથી ગુજરાતના ઇતિહાસમાં આ ખેડૂતોની સૌથી મોટી ટ્રેકટર યાત્રા યોજવાનો દાવો કરાયો છે. ટ્રેકટર રેલી કાઢવા પાછળ ખેડૂતોના ખેતરોમાં ખાનગી કંપની દ્વારા જાણ કર્યા વગર અને વળતર આપ્યા વગર જ વિજપોલ નખાતા હોય આ બાબતે ખેડૂતોને યોગ્ય ન્યાય મળે તેવી કાર્યવાહી કરવા સરકારને ઢંઢોળવાનો ઉદ્દેશ રહેલો છે.
ખેડૂતોના ખેતરોમાં 25 - 30 વર્ષ સુધી મહાકાય વીજ લાઈનોના થાંભલાઓ ઉભા રહે, જ્યાંથી વીજ લાઈન પસાર થાય એ ખેતર બિન ખેતી ન થાય, વીજ લાઈન માટે સરકારે નક્કી કરેલા કોરિડોર + બન્ને બાજુ દશ દશ મીટર અમે મકાન, ગોદામ ન કરી શકીએ, ખેતરમાં જ નાળિયેરી જેવા બાગાયતી પાકોના બગીચા કરવા હોય તો ન કરી શકીએ અને તેની સામે આ ખાનગી વીજ કંપનીઓ પોતાના ધંધા માટે ખેડૂતોની જમીનની કિંમત ઘટાડે તોયે સરકાર ખેડૂતોને જંત્રી ભાવે વળતર નક્કી કરે છે. તેમજ 2013 નો જમીન સંપાદન કાયદો એમ કહે છે કે ખેડૂતોને માર્કેટભાવના 4 ગણું વળતર આપવું, 2025 ની કેન્દ્ર સરકારની SOP એમ કહે છે કે માર્કેટભાવના બે ગણું વળતર આપવું, રાજસ્થાન સરકારની 2025ની SOP એમ કહે છે કે માર્કેટભાવના 4 ગણું વળતર આપવું તો માત્ર ગુજરાત સરકાર જ ખેડૂત વિરોધી હોય એ રીતે જન્ત્રી ભાવે વળતર આપવાના પરિપત્ર કરી ગુજરાતના ખેડૂતોને પાયમાલ કરવા માંગી રહી છે. ત્યારે આ ઐતિહાસિક ટ્રેક્ટર યાત્રાનો ઉદેશ્ય 2013 જમીન સંપાદન કાયદા મુજબ માર્કેટ ભાવના ચાર ગણું વળતર માટે રાજસ્થાન સરકાર જેમ પરિપત્ર કર્યો એમ ગુજરાત સરકાર પણ વહેલામાં વહેલો પરિપત્ર કરે નહીંતર આગામી દિવસોમાં આ રેલી ગાંધીનગર તરફ પ્રસ્થાન કરશે જેથી ચાર ગણા ભાવનો પરિપત્ર કરવાની માંગ સાથે ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિ દ્વારા ટ્રેક્ટર રેલી યોજવામાં આવશે.
ખેડૂતોની એકતાનો પરિચય કરાવવા માટે સરકાર અને ખાનગી વીજ કંપનીઓને શાન ઠેકાણે લાવી ખેડૂતોને ભીખ નહિ પણ હક્ક મળે તે માટે આ ટ્રેકટર રેલીથી સંદેશ અપાશે. ઐતિહાસિક ટ્રેક્ટર યાત્રાનો ઉદ્દેશ 2013 જમીન સંપાદન કાયદા મુજબ માર્કેટ ભાવના 4 ગણું વળતર માટે રાજસ્થાન સરકારે જેમ પરિપત્ર કર્યો એમ ગુજરાત સરકાર પણ વહેલામાં પહેલો પરિપત્ર કરે નહિતર આગામી સમયમાં દિવસોમાં આ રેલો ગાંધીનગર પણ આવી શકે છે એ મેસેજ સરકારને આપવા માટેનો છે. બે ફેબ્રુઆરી ના રોજ યોજાનાર આ ટ્રેકટર યાત્રા એટલા માટે ઐતિહાસિક બની રહેશે કારણ કે વીજ લાઇનથી પીડિત મોરબી જિલ્લાના હજારો ખેડૂતો સ્વયંભુ સ્વખર્ચે ટ્રેક્ટર લઈને આ યાત્રામાં જોડાશે. અને અન્ય જિલ્લાના ખેડૂતો મોરબી જિલ્લાના ખેડૂતોએ ઉપાડેલ આ લડતને સાથ સહકાર અને સમર્થન આપવા પોતાનો એક દિવસ આ લડતને સમર્પિત કરી લડતમાં જોડાશે. આ ટ્રેકટર યાત્રા ઐતિહાસિક એટલા માટે છે કે ગુજરાતમાં અગાઉ ક્યારેય કોઈપણ રાજકીય પક્ષ દ્વારા પણ ટ્રેકટર રેલી કરી હોય અને એમાં ટ્રેક્ટર ન હોય એનાથી ત્રણ ચાર ગણા ટ્રેકટર લઈને ખેડૂતો જોડાશે એવો દાવો કરાયો છે.