મોરબીના લાલપર પાસે આઇસર અને રીક્ષા વચ્ચેના અકસ્માતમાં યુવાનનું કરુણ મોત
(અશ્વિન રાઠોડ "સ્વંયભુ" ): વિધિની આ તે કેવી વિચિત્રતા કે, જન્મદાત્રીએ પોતાના કાળજાના કટકા એટલે પુત્રને જીવાડવા માટે સર્વસ્વ આપી દેવા તૈયાર હોય છે. પરતું કુદરત માતાની આ મમતાની એવી કસોટી કરે કે ત્યારે સવાલ એ થાય કે, કુદરત તારે ખજાને એવી તે શું ખોટ પડી કે તારા જ દીધેલા દેવના દીધેલાને છીનવી લીધા ! મોરબીના આર્થિક રીતે સાવ સાધારણ પરિસ્થિતિ ધરાવતા સામાન્ય પરિવારની વિધીએ એવી કસોટી કરી કે આ પરિવારના કાળજાના કટકા સમાન યુવાન પુત્ર એકવાર મોતના મુખમાંથી બહાર આવ્યા બાદ હવે ફરી કાળે ક્રૂરતા આચરીને આ પુત્રને છીનવી લેતા પરિવાર પર વ્રજધાત થયો છે. આ સામાન્ય પરિવારના પુત્રની અગાઉ બે કિડની ફેઈલ થઈ ગયા બાદ માતાએ એક કિડનીનું દાન આપીને કાળજાના કટકાને જીવતદાન આપ્યું હતું. દરમિયાન આ યુવાન પુત્ર રિક્ષામાં માલ સમાન ભરીને મોરબી નજીક નેશનલ હાઈવે પર જઈ રહ્યો હતો ત્યારે તેની રીક્ષાને આઇસર સાથે અકસ્માત નડતા રીક્ષા ચાલક યુવાન પુત્ર કાળનો કોળિયો બની જતા તેનો પરિવાર આઘાતથી સ્તબ્ધ થઈ ગયો હતો.
મોરબીના સામાંકાંઠે સોઓરડી મેઈન રોડ ઉપર આવેલ રામદેવ પીરની મંદિર નજીક રહેતા મણીબેન મૂળજીભાઈ મુછડિયા અને તેમના પતિ મૂળજીભાઈ મલાભાઈ મૂછડિયા છૂટક મજૂરી કામ કરી બે પુત્રો તેમજ પુત્રીઓને ભણાવી ગણાવી સુખી સંસાર વસાવી દીધો હતો. જો કે તેમનો પરિવાર મજૂરી કામ કરતો હોય છતાં સાધારણ આવકમાં સુખી હતી. પણ આ નાનું એવું સુખ કદાચ કુદરતને મંજુર ન હોય એમ મોટા પુત્ર વિજય મૂછડિયાની આઠેક વર્ષ પહેલાં બંને કિડની ફેઈલ થઈ ગઈ હતી .લગ્ન થયાના થોડા વર્ષોમાં જ યુવાન પુત્રની બંને કિડની ફેલ થયાનું સાંભળતા જ માતા મણીબેનન પગ નિચેથી જમીન સરકી ગઈ હતી.આથી પુત્રને બચાવવા માતાએ પોતાનું જીવન હોડમાં મૂકી પોતાની એક કિડનીનું દાન આપી પુત્રને બચાવી લીધો હતો. પુત્રના જીવન પરથી ખતરો ટળતા હવે કોઈ જાતનું દુઃખ નથી તેમ સમજીને આ પરિવાર ખુશીથી જીવતો હતો. પણ હજુ આ ખુશી કદાચ કુદરતને મંજૂર ન હોય એમ આ સામાન્ય પરિવારની આકરી પરીક્ષા કરી છે.જેમાં રીક્ષા ચલાવીને કુટુંબનું ભરણપોષણ કરતા વિજયભાઈ મૂછડીયા (ઉ.વ.35) રિક્ષામાં માલ સમાન ભરીને મોરબી નજીક નેશનલ હાઇવે પર પસાર થઈ રહ્યા હતા. ત્યારે લાલપર નજીક તેમની રીક્ષાને આઇસર સાથે અકસ્માત નડતા તેમને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી આથી તાત્કાલિક તેમને સારવાર અર્થે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં મસેડાયા હતા.જ્યાં સરકાર કારગત ન નિવડતા વિજયભાઈનું મોત નીપજ્યું હતું. જો કે આઘાત જનક બાબત એ છે કે આઠેક વર્ષ પહેલાં જીવતદાન મળ્યું હતું હવે અકસ્માતમાં તેમનું મોત થતા બે તેમના નાના માસૂમ પુત્રો નોંધારા બની ગયા છે.
કુદરત તારે ખજાને ક્યાં ખોટ પડી : માતાનો વિલાપ
યુવાન પુત્રના માર્ગ અકસ્માતમાં મોતથી માતા મણીબેને હૈયાફાટ આક્રંદ કરીને વિલાપ કર્યો હતો કે, કુદરત તારે ખજાને ક્યાં ખોટ પડી મેં તે મારે ખજાને ખાતર પાડયું, અમારે નથી ધન દોલત કે વૈભવી સુખ સગવડોની લલશા. મારો કાળજાના કટકો એટલે પુત્ર જ સર્વસ્વ હતું. આ એજ પુત્રને જીવતદાન આપવા મેં શરીરનું મહત્વનું દાન આપ્યું તોય કુદરત તને એનો જીવ લેતા પહેલા જરાય ખચકાટ કેમ ન થયો ? માતાના આવા કરુણ આક્રંદથી વાતાવરણ અત્યંત ગમગીન બની ગયું હતું.