પીએસઆઇ સહિત સમગ્ર ટ્રાફિક પોલીસે અતિશય ભીડને નિયત્રણ કરવાના પડકારને ઝીલીને પણ કલાકોની મહેનતના અંતે ત્રણેય ભૂલકાઓના માતાઓની ભાળ મેળવીને સોંપી દીધા
(રવિ બરાસરા) : મોરબીમાં મોહરમ પર્વ નિમિત્તે ગઈકાલે ભવ્ય તાજીયા ઝુલુસ નીકળ્યું હતું. આ તાજીયા ઝુલુસનો મહત્વનો પોઇન્ટ નગર દરવાજા ચોક હતો. એટલે હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડતા નહેરુ ગેઇટ ચોક આસપાસના વિસ્તારમાં પગ મુકવાની જગ્યા ન બચી હોય એટલી ભીડ હતી તે દરમિયાન અલગ અલગ વિસ્તારમાંથી માતાઓ સાથે તાજીયા ઝુલુસ જોવા આવેલા તેમના ત્રણ માસૂમ ભૂલકાઓ ભીડને કારણે માતાથી અલગ થઈ ગયા હતા અને આ બાળકો ભીડ વચ્ચે માતાથી વિખુટા પડી જતા ધ્રુસકે ધુસ્કે રડી પડ્યા હતા અને થોડીવારમાં અન્ય લોકોએ આ રડતા ત્રણેય બાળકોને નહેરુ ગેઇટ પાસે ટ્રાફિક પોલીસની છાવણીમાં પહોંચાડ્યા હતા. એકબાજુ ભીડ એટલી અતિશય હોઈ ટ્રાફિકની બાગડોળ સંભાળવી પોલીસ માટે મુશ્કેલ હતી. એવી જ રીતે આટલા હજારો લોકો વચ્ચે આ ત્રણ બાળકોના માતાઓને શોધવા પણ કઠિન હતા. પણ આ મુશ્કેલ કાર્યને શક્ય કરવા ટ્રાફિક પોલીસ બન્ને મોરચે લડી હતી. જિલ્લા પોલીસ વડા મુકેશ પટેલના નેજા હેઠળ ટ્રાફિક પીએસઆઇ ડી.બી. ઠક્કર, કોન્સ્ટેબલ ભાનુભાઈ બાલાસરા, દેવાયતભાઈ, ટીઆરબી મેહુલભાઈ, ફારૂકભાઈ, હોમહાર્દઝના જતીનભાઈ દવેએ બેવડી જવાબદારી નિભાવી બાળકોની માતાઓને શોધવા તમામ તાકાત કામે લગાડીને અંતે માતાઓ ભાળ મળતા બંને માતા પુત્રોનું સુખદ મિલન કરાવ્યું હતું.
મારે કઈ ન જોઈએ, મમ્મી પાસે જ જવું છે
ટ્રાફિક પીએસઆઈ ઠક્કરે જણાવ્યું હતું કે,
આ ત્રણ આશરે 3થી 10 વર્ષના બાળકો મળી આવ્યા બાદ તેના માતાપિતા વિશે પૂછપરછ કરી તો બાળકો નાના હોવાથી માત્ર એમના સાવન, કાવ્ય અને નવઘણ એવા ટ્રુકા નામ મળ્યા અને એમના રહેઠાણના સરનામા પણ યોગ્ય મળ્યા ન હતા. એમાં એક નાનો નવઘણ નામનો બાળક સતત રડતો હોય એને શાંત કરવા નાસ્તો લઈને આપ્યો પણ એ બાળકે "મારે કઈ ખાવું કે પીવું નથી, બસ મારે મારી માતા પાસે જ જવું છે". જ્યારે એક થોડો મોટો બાળક હોય તેની પૂછપરછ કરતા તેને માંડ માંડ પિતાના મોબાઈલ નંબર યાદ આવ્યા હતા. પણ એ ફોન ઉપાડતા ન હોય તેની માતાનો પણ મોબાઈલ નંબર યાદ હોય એમાં ફોન કરતા પોલીસે અને બાળકે માતા સાથે વાત કરીને માતાને નહેરુ ગેઇટ ચોકમાં બોલાવતા બન્ને માતા પુત્ર રડીને ભેટી પડ્યા હતા.
બાળકો જ માતાને જોઈને વળગી પડ્યા
ટ્રાફિક પોલીસના ભાનુભાઈ બાલાસરાએ કહ્યું હતું કે, અમે તમામ સ્ટાફે જ્યાંથી બાળકો ગુમ થયા એ આખો વિસ્તાર ખુંદી નાખ્યો હતો અને વોકી ટોકીથી સતત ફ્લોઅપ લેતા હતા.એવામાં આ બાળકોની માતાઓ શોધખોળ કરતા હોય અને અમે બધા સ્ટાફ શોધખોળ કરતા કરતા એકબીજાના ટચમાં આવ્યા બાદ માતાઓને એમના બાળકો પાસે લઈ ગયા અને માતાઓને જોતા જ બાળકોએ મમ્મી કહી દોટ મૂકી તેમને વળગી પડ્યા હતા. આથી અમારે ખરાઈ કરવાની જરૂર જ ન પડી.