Sunday - Oct 13, 2024

કચ્છના ભચાઉ નજીક ટ્રક-ટ્રેકટર વચ્ચે ગોઝારા અકસ્માતમાં મોરબી જિલ્લાના ખાખરેચીના 3 લોકોના મોત

કચ્છના ભચાઉ નજીક ટ્રક-ટ્રેકટર વચ્ચે ગોઝારા અકસ્માતમાં મોરબી જિલ્લાના ખાખરેચીના 3 લોકોના મોત

માતાના મઢેથી દર્શન કરીને પરત ફરતી વખતે અકસ્માત સર્જાયો, ગોઝારા અકસ્માતમાં 15 લોકો ઘાયલ

મોરબી : કચ્છના ભચાઉ નજીક ટ્રક-ટ્રેકટર વચ્ચે ગોઝારા અકસ્માત સર્જાતા આ અકસ્માતમાં મોરબી જિલ્લાના માળીયા તાલુકાના ખાખરેચીના 3 લોકોના કરુણ મોત નિપજતા અરેરાટી મચી ગઇ છે. કચ્છમાં માતાના મઢ ખાતે દર્શન કરી પરત ફરી રહેલા માળીયા તાલુકાના ખાખરેચી ગામના ટ્રેકટરને ભચાઉ અને કટારીયા વચ્ચે ટ્રકે ઠોકર મારતા આ ગોઝારા અકસ્માતમાં માળીયા તાલુકાના ખાખરેચી ગામના બે મહિલા અને એક બાળકનું મૃત્યુ નીપજ્યું હતું જયારે 15 લોકોને ઈજાઓ પહોંચતા મોરબી જિલ્લા હાઇવે ટ્રાફિક પોલીસની ટીમ અને 108ની ટીમોએ તાત્કાલિક બચાવ કામગીરી કરી ઇજાગ્રસ્તોને સામખિયાળી, આધોઇ અને ભચાઉ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

આ બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ માળીયા મિયાણા તાલુકાના ખાખરેચી ગામથી માતાના દર્શને ગયેલા શ્રદ્ધાળુઓ ટ્રેકટરમાં બેસી પરત ખાખરેચી ગામ આવી રહ્યા હતા ત્યારે કચ્છના ભચાઉ અને કટારીયા વચ્ચે એમપી-09-એચજે-9210 નંબરના ટ્રક ચાલકે ટ્રેકટરને હડફેટે લઈ અકસ્માત સર્જતાં આ અકસ્માતમાં ખાખરેચી ગામના જીવતીબેન બીજલભાઈ સંખેસરીયા ઉ.60, પ્રભાબેન નવઘણભાઈ ઉચાસણા, ઉ.47 અને વિવેકકુમાર ગોરધનભાઈ સંખેસરીયા ઉ.6 નામના બાળકનું મૃત્યુ નીપજ્યું હતું તેમજ 15 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા હતા. આ ગોઝારા અકસ્માતની જાણ થતા મોરબી હાઇવે પોલીસ અને 108ની ટીમો બનાવ સ્થળે દોડી જઈ ઈજાગ્રસ્ત થયેલા શ્રદ્ધાળુઓને સામખિયાળી, આધોઇ અને ભચાઉ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

કચ્છના ભચાઉ નજીક ટ્રક-ટ્રેકટર વચ્ચે ગોઝારા અકસ્માતમાં મોરબી જિલ્લાના ખાખરેચીના 3 લોકોના મોત