હળવદ : હળવદ તાલુકાના જુના દેવળીયા ગામે યુવાનના ભત્રીજાએ પોતાના માસિયાઈ ભાઈને માથાભારે તત્વો સાથે ફરવાની ના પાડતા ત્રણ શખ્સોએ કારમાં ધસી આવી યુવાન ઉપર ધારીયા સહિતના હથિયાર વડે હુમલો કરી ઘરના મહિલા સભ્યોને પણ માર મારતા ત્રણેય શખ્સો વિરુદ્ધ હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.
હળવદના જુના દેવળીયા ગામે રહેતા ભરતભાઇ મગનભાઈ દુદાણાએ આરોપી એજાજ અલાઉદીનભાઈ, આશિક અલાઉદીનભાઈ અને અલાઉદીનભાઈ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, ફરિયાદીના ભત્રીજા સંતોષભાઈએ પોતાના માસીના દીકરા રાજુ હરજીભાઈ ઉઘરેજાને આરોપીઓ સાથે ફરવાની ના પાડતા ઉશ્કેરાઇ ગયેલ ત્રણેય આરોપીઓ કાર લઈને આવ્યા હતા અને ધારીયા વડે હુમલો કરી ફરિયાદીને ઇજા પહોંચાડી ભત્રીજા વહુ જલ્પાબેનને ઝાપટો મારી જાનથી મારી નાખવા ધમકી આપી હતી.હુમલાની આ ઘટના અંગે હળવદ પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.