Friday - Aug 28, 2026

મોરબીમાં એસી રીપેરીંગની દુકાનમાંથી કોપર વાયરની ચોરીના કરનાર સગીર સહિત ત્રણ ઝડપાયા

મોરબીમાં એસી રીપેરીંગની દુકાનમાંથી કોપર વાયરની ચોરીના કરનાર સગીર સહિત ત્રણ ઝડપાયા

ચોરી કરીને ત્યાંજ જાળીમાં માલ છુપાવ્યાની જાણ થતાં પોલીસે ઝડપી લીધા, હજુ એક ફરાર

મોરબી : મોરબી નજીક આવેલ એસી રીપેરીંગની દુકાનની પાછળના ભાગમાં આવેલ બારીના સળિયા તોડી તસ્કરોએ દુકાનની અંદર પ્રવેશ કરીને 100 કિલો શુદ્ધ કોપર વાયર તથા અન્ય નાના-મોટા કેબલ વાયરના ટુકડા આમ કુલ મળીને 1.80 લાખ રૂપિયાની કિંમતના કોપર વાયરની ચોરી કરી ગયા હતા.આ ચોરીના ગુનામાં પોલીસે બે આરોપી તેમજ કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકિશોરને 62 હજાર રૂપિયા રોકડા તેમજ 18000 ના કોપર વાયર સાથે ઝડપી લઈ આગળની કાર્યવાહી કરી છે.હજુ એક આરોપી ફરાર હોવાથી તેને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

હળવદ તાલુકાના સમલી ગામના કૌશિકભાઈ ત્રિભુવનભાઈ પટેલની મોરબીથી ઘૂટું રોડ ઉપર આઈટીઆઈ કોલેજની પાછળના ભાગમાં પીપળી ગામ તરફ જવાના રસ્તા ઉપર આવેલી ડાયમંડ રેફ્રિજરેશન નામની દુકાનને કોઈ અજાણ્યા શખ્સોએ નિશાન બનાવી દુકાનના પાછળના ભાગે આવેલ લોખંડની બારીના સળિયા તોડી નાખીને દુકાનની અંદર ઘુસી દુકાનમાં રહેલા નવા શુદ્ધ કોપરના વાયરોના ફીંડલા તથા નાના મોટા કોપર વાયર ના ટુકડા મળીને કુલ કિંમત 1.80 લાખના 100 કિલો જેટલા કોપર વાયરની ચોરી કરીને ફરાર થઇ ગયા હતા. આ બનાવની ફરિયાદ આધારે મોરબી તાલુકા પોલીસની ટિમને તપાસ દરમિયાન બાતમી મળી હતી કે, આરોપીઓએ ચોરી કરેલો વાયર ત્યાં જ જાળીમાં છુપાવેલ છે જેથી તાલુકા પોલીસની ટિમ તે સ્થળે દરોડો પાડી સ્થળ ઉપરથી રકેશભાઈ ભુપતભાઈ શકેરા (ઉ.વ.20 રહે. કુળદેવી પાન પાસે, મફતીયાપરા, મોરબી), રાજુભાઈ સવસીભાઈ દેલવાણીયા (ઉ.વ.24 રહે. આઈ.ટી.આઈ પાછળ, ઘૂટું) અને એક સગીરને 10 કિલો જેટલો કોપર વાયર, 18 હજારનો વાયર તેમજ વાયરનું વેચાણ કરીને મેળવેલા 62 હજાર રૂપિયા કુલ મળીને 80 હજારનો મુદામાલ સાથે ઝડપી લીધા હતા. આ શખ્સોની પૂછપરછમાં સામે આવ્યું હતું કે, રેફ્રીજરેશનની દુકાનમાંથી વાયરની ચોરીમાં તેઓની સાથે જય ઉર્ફે જયેશભાઈ ઉર્ફે ભાણો ચમનભાઈ કુંઢીયા (રહે. આઈ.ટી.આઈ પાછળ, ઘૂટું) પણ સામેલ હોવાની કબૂલાત આપતા તેને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.