મોરબી જિલ્લા મઘરાત્રીથી જ સચરાચર મેઘકૃપા, સૌથી વધુ માળીયા પર મેઘરાજા મહેરબાન
મોરબી : મોરબી જિલ્લામાં હવે ખરેખર ચોમાસુ જામ્યું હોય તેવો મેઘરાજાએ માહોલ સર્જી દીધો છે. અત્યાર સુધીમાં મન મુકીને વરસવામાં કંજુસાઈ કરતા ગઈકાલ રાત્રે જ મેઘરાજાએ મેણું ભાંગ્યું હતું અને રાત્રીના 11 વાગ્યાની આસપાસ મુશળધાર વરસાદ તૂટી પડ્યો હતો. જો કે ગતરાત્રીથી મોરબી જિલ્લામાં આજે સવારના 11-30 સુધીમાં સચરાચર મેઘકૃપા વરસી રહી છે.
મોરબી જિલ્લામાં આજે ધીમીધારે કોઈપણ.જાતના નુકસાન વગર મેઘાડબર વચ્ચે જે રીતે એકધારો વરસાદ પડી રહ્યો છે. તે જોતા આખો દિવસ વરસાદ પડી શકે એવું વાતાવરણ છે. જો કે થોડા દિવસો અગાઉ મોરબી જિલ્લામાં વરસાદ પડ્યો ત્યારે માળીયામાં સૌથી વધુ અઢી ઇંચ વરસાદ પડ્યો હતો અને આજે પણ મોરબી જિલ્લામાં સૌથી વધુ માળીયા પર મેઘરાજા મહેરબાન થતા ખેડૂતોએ કરેલા વાવણી કાર્યને જીવતદાન મળ્યું છે. જિલ્લા કન્ટ્રોલ રૂમમાંથી પ્રાપ્ત વિગતો મુજબ ગતરાત્રીના 11થી આજે સવારના દસ વાગ્યા દરમિયાન માળીયામાં એકધારો ત્રણ ઇંચ, મોરબીમાં અઢી ઈંચ, ટંકારામાં પણ અઢી ઈંચ, વાંકાનેરમાં બે ઈંચ અને હળવદમાં સવા બે ઈંચ વરસાદ પડ્યો હોવાનું નોંધાયું છે અને હજુ વરસાદ ચાલુ છે.
ગત રાત્રે 10થી સવારે 10 સુધીનો વરસાદ
● માળિયા 76 mm
● મોરબી 59 mm
● ટંકારા 54 mm
● વાંકાનેર 50 mm
● હળવદ 54 mm