38 જેટલી દુકાનો સિલ મારી દેવાય : હવે જગ્યા બિનખેતી કરાવી બાંધકામની મંજૂરીઓ મેળવ્યા બાદ જ સિલ ખોલાશે
મોરબી : મોરબી મહાનગરપાલિકા દ્વારા પ્રથમ વખત જગ્યા બિનખેતી કરાવ્યા વગર ખડકી દેવામાં આવેલા ત્રણ કોમ્પ્લેક્ષ સામે સિલિંગની કાર્યવાહી કરવામાં આવી છે. આ ત્રણેય કોમ્પ્લેક્ષને મહાપાલિકાની ટિમ દ્વારા સિલ મારી દેવામાં આવ્યા હતા.મનપાની આ કડક કાર્યવાહીથી ગેરકાયદે બાંધકામો ખડકી દેનારા આસામીઓમાં ફફડાટ મચી ગયો છે.
મોરબી મહાનગરપાલિકા દ્વારા ગેરકાયદેસર રીતે ખડકાયેલા બાંધકામો સામે તો આકરા પગલાં લેવામાં આવી રહ્યા છે અને ગેરકાયદે ખડકાયેલા દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે. ખાસ કરીને ગેરકાયદેસર રીતે ખડકાયેલા પાકા મકાનોને પણ તોડી પાડવામાં આવ્યા હતા. પણ આજે મહાપાલિકાની ટિમ દ્વારા બિનખેતીની કાર્યવાહી કર્યા વગર જગ્યા ઉપર બનવામાં આવેલા ત્રણ શોપિંગ કોમ્પ્લેક્ષને સિલ કરવામાં આવ્યા છે. જેમાં દલવાડી સર્કલ નજીક ગોકુલ-મથુરા સોસાયટી પાસે આવેલ 7 દુકાનોનું કોમ્પ્લેક્ષ, તેની સામે આવેલ બે માળનું 12 દુકાનોનું કોમ્પ્લેક્ષ અને દલવાડી સર્કલ પાસે આવેલ 19 દુકાનોનું સનરાઇઝ કોમ્પ્લેક્ષ સિલ મારી દેવામાં આવ્યું છે. એક કોમ્પલેક્ષમાં 38 જેટલી દુકાનોનો સમાવેશ થાય છે.મનપાએ આવા મસમોટા ચમરબધીને પણ છોડ્યા નથી અને કડક કાર્યવાહી હાથ ધરી હતી.
મહાપાલિકાના અધિકારી શુભમ પટેલ દ્વારા જણાવાયુ કે બિનખેતીની પ્રક્રિયા કર્યા વગર આ જગ્યા ઉપર કોમ્પ્લેક્ષનું બાંધકામ કરવામાં આવ્યું હતું. જે બદલ નોટિસ પણ ફટકારવામાં આવી હતી.તેમ છતાં આસામીની ઊંઘ ન ઉડતા આજે ત્રણેય કોમ્પ્લેક્ષ સિલ કરવામાં આવ્યા છે. હવે બિનખેતી કરાવી બાંધકામ ઈમ્પેક્ટની પ્રક્રિયા કરાવામાં આવશે ત્યારબાદ જ આ સિલ ખુલશે. તેવું જણાવ્યું હતું.