મોરબી : મોરબીમાં સગીરાનો ફોટો વાયરલ કરવાની ધમકી આપી એક શખ્સે બળજબરીથી સગીરા ઉપર દુષ્કર્મ આચર્યું હોવાનો બનાવ સામે આવ્યો છે. સગીરા ઉપર દુષ્કર્મ આચરવા મામલે ભોગ બનનારના પિતાએ એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે શખ્સ સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબીમાં રહેતી એક સગીરા બ્યુટીપાર્લરના કામે જતી ત્યારે અંકિત રાજેશભાઇ ડાભી રહે.લખધીરપુર નામના શખ્સે તેની સાથે મિત્રતા કેળવી તેમના ફોટો લઈ પોતાના ફોટો સાથે એડિટ કરી તેને વાયરલ કર્યા હતા. જો કે આ ફોટો અંગે તેના પિતાને જાણ થતાં શખ્સના માતા-પિતાને રાવ કરી હતી. ત્યારે આ શખ્સના માતા-પિતાએ માફી માગતા મામલો ત્યાં પતી ગયો હતો. જો કે બાદમાં ફરી શખ્સે ફોટો વાયરલ કરવાની ધમકી આપી સગીરાને બે વખત પાનેલીની વિડીમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું. આ ઉપરાંત સગીરાની સગાઈ કરવામાં આવી હતી. જે સગાઈ પણ આ શખ્સે ફોટો બતાવીને તોડાવી નાખી હતી.આ મામલે સગીરાના પિતાએ એ ડિવિઝન પોલીસમાં શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી વિરુદ્ધ પોકસો સહિતની કલમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.