Thursday - May 07, 2026

માળિયા (મી.) નજીક 5 બોલેરોમાં અમદાવાદ કતલખાને ધકેલાતા 19 પશુઓને બચાવાયા ગૌરક્ષક ટીમેં પશુઓની તસ્કરીનું મોટું રેકર્ટ ઝડપી 8 શખ્સોને માળિયા પોલીસને હવાલે કર્યા

માળિયા (મી.) નજીક 5 બોલેરોમાં અમદાવાદ કતલખાને ધકેલાતા 19 પશુઓને બચાવાયા

ગૌરક્ષક ટીમેં પશુઓની તસ્કરીનું મોટું રેકર્ટ ઝડપી 8 શખ્સોને માળિયા પોલીસને હવાલે કર્યા

મોરબી :  મોરબીની ગૌરક્ષક સાહિતની ટીમે ગૌ સહિતના પશુઓની તસ્કરીનું મસમોટું રેકર્ટ ઝડપી લીધું હતું. જેમાં પાંચ બોલેરો કારમાં કતલખાને ધકેલાતા ગૌ સહિતના 19 પશુઓને ગૌરક્ષકોની મોટી ટીમે માળીયા મી.નજીક વોચ ગોઠવીને બચાવી લીધા હતા.આ પશુઓને કતલખાને લઈ જતા 8 જેટલા શખ્સોને ઝડપી માળીયા પોલીસને હવાલે કરી દીધા હતા અને આ 19 પશુઓને ખાખરેચી પાંજરાપોળને સોંપવામાં આવ્યા છે. પકડાયેલા 8 શખ્સોને માળિયા પોલીસને હવાલે કરતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી ગૌરક્ષક ટીમને ખાનગી રાહે બાતમી મળી હતી કે, કચ્છમાંથી કતલના ઈરાદે પશુ ભરીને અલગ અલગ પાંચ બોલેરો પીક અપમાં મોટા પ્રમાણમાં પશુઓની તસ્કરી કરી અમદાવાદ કતલખાને લઈ જવામાં આવી રહ્યા છે.આ નક્કર બાતમીના આધારે મોરબીની ગૌરક્ષકોની ટીમે રાજકોટના ગૌરક્ષકો, ચોટીલા ગૌરક્ષક ટીમ તથા લીંબડી ગૌરક્ષકોનો સહયોગ લઈને કતલખાને જતા પશુઓને બચાવવા માળીયા મિયાણા આસપાસ વોચ ગોઠવી હતી. આ બાતમી મુજબ ત્યાંથી બોલેરો પિક અપ ગાડીઓ નીકળતા ઉભી રાખીને ચેક કરતા અંદર ક્રુરતાપૂર્વક 19 પશુઓને કોઈપણ પ્રકારના પાસ પરમિટ કે ઘાસચારાની વ્યવસ્થા વગર ટૂંકા દોરડાથી બાંધીને અમદાવાદ કતલના ઈરાદે લઈ જવાતા હોવાનું માલુમ પડ્યું હતું.

જેથી માળિયા પોલીસને બોલાવી કાયદેસરની કાર્યવાહી કરી તમામ પશુઓને સુરક્ષિત બચાવીને ખાખરેચી પાંજરાપોળમાં મૂકવામાં આવ્યા હતા. બોલેરો ગાડીમાં અબોલ પશુઓને ગેરકાયદે કતલખાને 8 જેટલા શખ્સોને માળિયા પોલીસ સ્ટાફ દ્વારા અટક કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. મોરબી ગૌરક્ષક ટીમ, રાજકોટ ગૌરક્ષક ટીમ, ચોટીલા ગૌરક્ષક ટીમ તથા લીંબડી ગૌરક્ષક ટીમેં 19 અબોલ પશુઓનો જીવ બચાવી લીધો હતો અને માળીયા પોલીસ સ્ટેશન જઈને અખિલ વિશ્વ ગૌ સંવર્ધન પરિષદ, વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ અને હિન્દુ યુવા વાહિની દ્વારા ફરિયાદી નોંધાવામા આવી છે. છેલ્લા થોડા સમયમાં વારંવાર 4 કે 5 ગૌવંશને બચાવવામાં આવ્યા હતા. પણ આજે તો 19 પશુઓને કતલખાને ધકેલાતા બચાવી લેવાતા ગૌ સહિતના અબોલ પશુઓનું મોટા પ્રમાણમાં તસ્કરી કરવામાં આવતું હોવાનું ખુલ્યું છે.આથી પોલીસ આ દિશામાં તપાસ કરે તો અબોલ પશુઓની મોટાપાયે તસ્કરી અટકી શકે એમ છે.