Friday - Oct 23, 2026

હળવદમાં રસ્તો ખુલ્લો કરવા મુદ્દે ધોકા વડે હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી

હળવદમાં રસ્તો ખુલ્લો કરવા મુદ્દે ધોકા વડે હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી

બે મહિલા સહિત છ સામે ફરિયાદ, ઇજાગ્રસ્ત યુવાનની ફરિયાદના આધારે પોલીસની કાર્યવાહી

મોરબી : હળવદના રાયસંગપુર રોડ પર આવેલી જમીનમાં આવવા-જવાનો રસ્તો ખુલ્લો કરાવતી વખતે જૂથ અથડામણની ઘટના સામે આવી છે. રસ્તાના મુદ્દે બે મહિલા સહિત છ વ્યક્તિઓએ બોલાચાલી કરી ઝઘડો કર્યા બાદ લાકડાના ધોકા વડે યુવાન સહિતનાઓ પર હુમલો કર્યો હોવાનો આક્ષેપ થયો છે. હુમલામાં ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ મામલે હળવદના ગોકુલનગરમાં રહેતા સંજયભાઈ નરસીભાઈ ચાવડા (ઉં.વ. ૩૩)ની ફરિયાદના આધારે પોલીસે છ વ્યક્તિઓ સામે ગુનો નોંધી તેમને પકડવા માટે તપાસ હાથ ધરી છે.

ફરિયાદમાં જણાવ્યા મુજબ, સંજયભાઈ ચાવડા અને સાહેદો હળવદ ગામની સીમમાં રાયસંગપુર રોડ પર સર્વે નંબર ૬૮૪ પૈકી ૨ વાળી જમીનમાં આવવા-જવાનો રસ્તો ખુલ્લો કરી રહ્યા હતા. તે દરમિયાન મોરબી દરવાજા નજીકના કૃષ્ણનગરમાં રહેતા મનજીભાઈ છગનભાઈ સોનાગ્રા, દેવુભાઈ મનજીભાઈ સોનાગ્રા, ગીતાબેન મેહુલભાઈ સોનાગ્રા, મેહુલભાઈ ઈશ્વરભાઈ સોનાગ્રા, સવજીભાઈ છગનભાઈ સોનાગ્રા અને જગદીશભાઈ થોભણભાઈ સોનાગ્રા ત્યાં આવ્યા હતા. રસ્તાના મુદ્દે બોલાચાલી કરી ગાળો આપ્યા બાદ જગદીશભાઈએ ધોકા વડે એક સાહેદને, જ્યારે મેહુલભાઈએ ફરિયાદી સહિત અન્ય સાહેદોને માર મારી ઇજા પહોંચાડી હતી.. ઉપરાંત જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનું પણ ફરિયાદમાં જણાવાયું છે. ઇજાગ્રસ્ત યુવાને સારવાર લીધા બાદ નોંધાવેલી ફરિયાદના આધારે હળવદ તાલુકા પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.