મોરબી : મોરબી તાલુકાના ઘુંટુ ગામની સીમમાં લખધીરપુર રોડ પર આવેલી ડોનાટો વિટ્રીફાઇડ સિરામિક ફેક્ટરીની લેબર કોલોનીમાં રહેતા ઝારખંડના યુવકે પરિવાર સાથે ફોન પર વાતચીત દરમિયાન થયેલી બોલાચાલી બાદ ઝાડ સાથે ગળેફાંસો ખાઈ જીવ દીધો હતો.
ઝારખંડ રાજ્યના ગીરીડીહ જિલ્લાના વતની ટુંટુનકુમાર બ્રહ્મદેવ રાય ઘુંટુ ગામની સીમમાં આવેલી ડોનાટો વિટ્રીફાઇડ સિરામિક ફેક્ટરીમાં કામ કરતા હતા અને ત્યાંની લેબર કોલોનીમાં રહેતા હતા. ગઈકાલે તેઓ પરિવાર સાથે ફોન પર વાતચીત કરી રહ્યા હતા ત્યારે કોઈ બાબતે બોલાચાલી થતાં તેમને લાગી આવ્યું હતું. ત્યારબાદ ફેક્ટરીની બાજુમાં આવેલા ઝાડની ડાળી સાથે પ્લાસ્ટિકની પટ્ટી બાંધી ગળેફાંસો ખાઈ જીવ દીધો હતો. આ બનાવ અંગે ગુડ્ડુકુમાર સુરેન્દ્ર રાયે પોલીસને જાણ કરતાં મોરબી તાલુકા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.