Friday - Oct 23, 2026

મોરબી : ચોરીની શંકાએ યુવકનું અપહરણ કરી હત્યા કર્યાના કેસમાં કારખાનેદારના જામીન કોર્ટે ફગાવ્યા

મોરબી : ચોરીની શંકાએ યુવકનું અપહરણ કરી હત્યા કર્યાના કેસમાં કારખાનેદારના જામીન કોર્ટે ફગાવ્યા

મોરબી : વાંકાનેર તાલુકાના સમથેરવા ગામની સીમમાં ખરાબાની જગ્યાએથી 8 એપ્રિલ, 2026ના રોજ અજાણ્યા પુરુષનો મૃતદેહ શંકાસ્પદ હાલતમાં મળી આવતા વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મોતની નોંધ કરી ઘનિષ્ઠ તપાસ આદરી હતી. તપાસ દરમિયાન બનાવ સ્થળની આસપાસના કારખાનામાં કામ કરતા શ્રમિકોને મૃતકનો ફોટો બતાવી તેમજ સીસીટીવી કેમેરાના દૃશ્યો તપાસતા શંકાસ્પદ હિલચાલ લાગતા આ દિશામાં તપાસના આધારે છ શકમંદોને પૂછપરછ માટે બોલાવી આકરી પૂછપરછ કરતાં બનાવ હત્યાનો હોવાનું સ્પષ્ટ થયું હતું.

પોલીસ તપાસમાં સામે આવેલી વિગતો મુજબ, મૃતક યુવક મોરબીના શનાળા રોડ પર રહેતા  સંદીપ ધનજીભાઈ જાલરીયાના મકાનમાં દિવસના સમયે ચોરી કરવાના ઇરાદે પ્રવેશ્યો હોવાની શંકા ઊભી થઈ હતી. તે સમયે સંદીપ મકાનમાં હાજર હતો અને તપાસ કરતાં યુવકના ખિસ્સામાંથી કાર તથા એક્ટિવાની ચાવીઓ મળી આવતાં માથાકૂટ થઈ હતી. ત્યારબાદ યુવકને ઈનોવા કારમાં બેસાડી માથક નજીક આવેલા સોલાર ફાર્મમાં લઈ જવામાં આવ્યો હતો. ત્યાં છ આરોપીઓએ પીવીસી પાઇપ વડે માર માર્યો હોવાનો આરોપ છે. ગંભીર ઇજાઓના કારણે યુવકનું મોત થયું હતું. ત્યારબાદ મૃતદેહને કારમાં લઈ જઈ વાંકાનેર તાલુકાના સમથેરવા ગામની સીમમાં અવાવરું જગ્યાએ ફેંકી દેવામાં આવ્યો હોવાનો પોલીસ તપાસમાં ખુલાસો થયો હતો.

આ ગુનામાં એલસીબી ટીમે સંદીપ ધનજીભાઈ જાલરીયા, એલીસ ઉર્ફે જયંતીભાઈ જાલરીયા, દિવ્યેશ ગોવિંદભાઈ જાલરીયા, મુન્નો ઉર્ફે વરુણ રૈયાભાઈ ગોલતર, રાજેશ રમેશ ડાભી અને રાજીવ ઉર્ફે રાજુ કામેશ્વરપ્રસાદ શ્રીવાસ્તવની ધરપકડ કરી હતી. દરમિયાન જેલમાં રહેલા આરોપી દિવ્યેશ ગોવિંદભાઈ જાલરીયાએ વકીલ મારફતે મોરબીની બીજા એડિશનલ સેશન્સ અદાલતમાં નિયમિત જામીન અરજી કરી હતી. અરજીની સુનાવણી દરમિયાન સરકાર તરફે એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટર એસ.સી. દવેએ જામીનનો વિરોધ કરી ધારદાર દલીલો કરતા અદાલતે નોંધ્યું હતું કે ગુનાની ગંભીરતા અને આરોપીની કથિત ભૂમિકાને ધ્યાનમાં લેતાં આરોપી સામે પ્રથમદર્શી કેસ બનતો હોવાનું જણાય છે. માત્ર ચાર્જશીટ રજૂ થઈ હોવાના આધારે જામીન આપવા યોગ્ય ન હોવાનું માની અદાલતે સરકાર પક્ષની દલીલો માન્ય રાખી દિવ્યેશ જાલરીયાની નિયમિત જામીન અરજી રદ કરી દીધી હતી.

આરોપીને ખોટી રીતે સંડોવાયો હોય એફઆઈઆરમાં નામ ન હોવાની દલીલ

આરોપી દિવ્યેશભાઈ ગોવિંદભાઈ જાલરીયાના વકીલ એમ.પી. ઓઝાએ રજૂઆત કરી હતી કે આરોપીને કથિત ગુનામાં ખોટી રીતે સંડોવવામાં આવ્યો છે અને એફઆઈઆરમાં તેનું નામ પણ નથી. તપાસ દરમિયાન નોંધાયેલા નિવેદનોમાં આરોપીની સંડોવણી સ્પષ્ટ થતી નથી તેમજ કોઈ સાક્ષીએ મૃતક પર આરોપીએ હુમલો કર્યો હોવાનું જણાવ્યું નથી. વધુમાં, જપ્ત કરાયેલા મુદ્દામાલ પર મૃતકના લોહીના નિશાન મળ્યા નથી અને સાક્ષીઓનાં નિવેદનોમાં પણ વિસંગતતા હોવાનું રજૂ કરાયું હતું. બનાવના ચારથી પાંચ મહિના બાદ ગુનાનો ભેદ ઉકેલાયો હોવાની બાબત પણ બચાવ પક્ષે રજૂ કરી હતી. તપાસ પૂર્ણ થઈ ચાર્જશીટ દાખલ થઈ ગઈ હોવાથી હવે આરોપીને જેલમાં રાખવાની જરૂર નથી અને પુરાવા સાથે છેડછાડ નહીં કરે કે સાક્ષીઓને પ્રભાવિત નહીં કરે તેવી ખાતરી સાથે નિયમિત જામીન પર મુક્ત કરવાની માગણી કરવામાં આવી હતી.

સાક્ષીઓનાં નિવેદનોથી પ્રથમદર્શી કેસ હોવાની સરકારી વકીલની દલીલો

સરકાર તરફેના એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટર એસ.સી. દવેએ જામીન અરજીનો વિરોધ કરતાં ધારદાર દલીલ કરી હતી કે આરોપી સામે હત્યા જેવા ગંભીર ગુનામાં સામેલ હોવાના આક્ષેપો છે. સરકારી પક્ષના જણાવ્યા મુજબ, મૃતકને કારમાં બેસાડી અંબિટો સોલાર પ્લાન્ટ ખાતે લઈ જવામાં આવ્યો હતો, જ્યાં આરોપી સહિતના શખ્સોએ ગેરકાયદે મંડળી રચી તેને ગોંધી રાખ્યો હતો અને પીવીસી પાઇપ, પાણીની નળીના ટુકડા, દોરડા તથા એલ્યુમિનિયમના વાયર વડે માર માર્યો હતો. આ હુમલામાં મૃતકના શરીરે કુલ 32 જેટલી ઇજાઓ થઈ હતી, જેના કારણે તેનું મોત નીપજ્યું હતું. સાક્ષીઓનાં નિવેદનો અને તપાસમાં સામે આવેલી વિગતો આરોપી સામે પ્રથમદર્શી કેસ દર્શાવે છે તેવી દલીલ પણ કરવામાં આવી હતી. વધુમાં, માત્ર ચાર્જશીટ રજૂ થઈ જવાથી આરોપીને આપોઆપ જામીન મળતા નથી અને ગુનાની ગંભીરતા, આરોપીની કથિત ભૂમિકા તથા સાક્ષીઓને પ્રભાવિત કરવાની કે પુરાવા સાથે છેડછાડ કરવાની શક્યતાને ધ્યાનમાં રાખીને જામીન અરજી નામંજૂર કરવાની દલીલ કરતા કોર્ટે ગ્રાહ રાખીને આરોપીના જામીન ફગાવ્યા હતા.