Friday - Oct 23, 2026

નિવૃત્ત શિક્ષિકાએ માધાપરવાડી કન્યા શાળાને પુસ્તકાલય માટે રૂ. એક લાખનું દાન આપ્યું

નિવૃત્ત શિક્ષિકાએ માધાપરવાડી કન્યા શાળાને પુસ્તકાલય માટે રૂ. એક લાખનું દાન આપ્યું

ધોરણ ૫ની કોમન એન્ટરન્સ ટેસ્ટ અને ધોરણ ૮ની એનએમએમએસ પરીક્ષાની તૈયારી માટે ૮૦ બાળાઓને પુસ્તકો અર્પણ કર્યાં

મોરબી : મોરબીની પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળામાં શૈક્ષણિક પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવા ડી.જે.પી. કન્યા વિદ્યાલયનાં નિવૃત્ત શિક્ષિકા નિતાબેન પટેલે પુસ્તકાલય માટે પુસ્તકો ખરીદવા પોતાની પરસેવાની કમાણીમાંથી રૂ. એક લાખની ધનરાશી અર્પણ કરી છે. આ ઉપરાંત ધોરણ ૫ની કોમન એન્ટરન્સ ટેસ્ટ અને ધોરણ ૮ની એનએમએમએસ પરીક્ષાની પૂર્વતૈયારી માટે બંને ધોરણની મળીને આશરે ૮૦ વિદ્યાર્થિનીઓને રૂ. ૨૭૦ની કિંમતનું એક પુસ્તક પણ અર્પણ કર્યું છે.

નિવૃત્ત શિક્ષિકાએ માધાપરવાડી કન્યા શાળાને પુસ્તકાલય માટે રૂ. એક લાખનું દાન આપ્યું

માધાપરવાડી કન્યા શાળામાં વિજ્ઞાન-ગણિત પ્રદર્શન, વાનગી સ્પર્ધા, શાળા સલામતી સપ્તાહ તેમજ ધાર્મિક, રાષ્ટ્રીય અને સામાજિક તહેવારોની ઉજવણી સહિતની વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. શાળાની આ કામગીરીથી પ્રેરાઈને દાતાઓ બાળાઓના શૈક્ષણિક વિકાસ માટે જરૂરી સાહિત્ય અને સામગ્રી અર્પણ કરતા રહે છે. નિતાબેન પટેલ પણ પ્રવેશોત્સવ દરમિયાન બાળાઓને શાળાની થેલીઓ, નોટબુક અને અન્ય શૈક્ષણિક સામગ્રીનું દાન આપે છે.

ઉલ્લેખનીય છે કે નિતાબેન પટેલને નિવૃત્ત થયાને ચાર વર્ષ વીતી ગયાં હોવા છતાં તેઓ બાળાઓના શિક્ષણ માટે સતત યોગદાન આપી રહ્યાં છે. ૬૨ વર્ષની વયે પણ તેઓ ઉત્સાહપૂર્વક સમાજોપયોગી પ્રવૃત્તિઓમાં જોડાઈને જરૂરિયાતમંદ વિદ્યાર્થિનીઓના અભ્યાસમાં ઉપયોગી બની રહ્યાં છે. પુસ્તકાલયના વિકાસ માટેની તેમની આ પહેલથી બાળાઓને સંદર્ભ સાહિત્ય અને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે ઉપયોગી પુસ્તકો ઉપલબ્ધ થશે.