72મી રાજ્ય કબડ્ડી સ્પર્ધામાં સુવર્ણચંદ્રક અપાવવામાં મહત્ત્વનું યોગદાન, ગુજરાતની ટીમનું નેતૃત્વ કર્યા બાદ આંતરરાષ્ટ્રીય સ્તરે કૌશલ્ય બતાવશે
મોરબી : મોરબી જિલ્લાની મહિલા કબડ્ડી ખેલાડી સભઈબેન ગઢવીએ પોતાની પ્રતિભા અને મહેનતના બળે રમતક્ષેત્રે વધુ એક સિદ્ધિ હાંસલ કરી છે. પ્રથમ કોમનવેલ્થ કબડ્ડી ચેમ્પિયનશિપ-2026 માટેની ભારતીય મહિલા ટીમના પસંદગી કેમ્પમાં તેમનું સ્થાન નક્કી થયું છે. તા. 23થી 31 ઑક્ટોબર દરમિયાન અમદાવાદના વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે યોજાનારી આ આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં તેમની પસંદગી મોરબી અને ગુજરાત માટે ગૌરવની બાબત બની છે.
મોરબીની કબડ્ડીની હોનહાર ખેલાડી સભઈબેન ગઢવીએ 72મી રાજ્ય કબડ્ડી ચેમ્પિયનશિપમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને મોરબી જિલ્લાને સુવર્ણચંદ્રક અપાવવામાં મહત્ત્વનું યોગદાન આપ્યું હતું. આ પ્રદર્શનના આધારે તેમની રાષ્ટ્રીય સ્તરે પસંદગી થઈ હતી. ત્યારબાદ તેમને ગુજરાતની મહિલા કબડ્ડી ટીમની કપ્તાનીની જવાબદારી સોંપવામાં આવી હતી અને તેમણે તેલંગાણા ખાતે યોજાયેલી રાષ્ટ્રીય સ્પર્ધામાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. રાષ્ટ્રીય સ્તરે દેખાવના આધારે 20મી એશિયન ગેમ્સ માટેની ભારતીય મહિલા કબડ્ડી ટીમના તાલીમ શિબિરમાં પણ તેમની પસંદગી થઈ હતી. હવે કોમનવેલ્થ ચેમ્પિયનશિપના પસંદગી કેમ્પમાં સ્થાન મેળવી તેમણે પોતાની કારકિર્દીમાં વધુ એક મહત્ત્વનું સોપાન સર કર્યું છે.
મોરબી જિલ્લા કબડ્ડી એસોસિએશનના પ્રમુખ રાજદીપભાઈ ગામી, ખજાનચી મૌલિકભાઈ પટેલ, ઉપપ્રમુખ કિશાનભાઈ વાઘડિયા, મંત્રી જયંતીભાઈ પરમાર તેમજ કોચ વિજયકુમાર ચૌધરી અને નરસિંહભાઈ રબારીએ તેમની સિદ્ધિને બિરદાવી છે. આંતરરાષ્ટ્રીય સ્તરે શ્રેષ્ઠ પ્રદર્શન કરીને દેશ, ગુજરાત અને મોરબીનું નામ રોશન કરે તેવી આશા વ્યક્ત કરી છે. સભઈબેનની આ સફર અન્ય મહિલા ખેલાડીઓ માટે પણ કબડ્ડીમાં આગળ વધવાની પ્રેરણા બની રહેશે.