મોરબી : મોરબી જિલ્લામાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા વિજયાદશમીના પાવન પર્વ ઉપર પરંપરાગત શસ્ત્રપૂજનના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. મોરબી પ્રખંડ, હળવદ પ્રખંડ, મોરબી ગ્રામ્ય ઉપરાંત દુર્ગાવાહિની અને માતૃશક્તિના સહયોગથી જિલ્લામાં કુલ ૨૧ સ્થળે શસ્ત્રપૂજન કરવામાં આવ્યું હતું. વિવિધ સ્થળોએ ધાર્મિક વિધિ સાથે શસ્ત્રોની પૂજા કરી ધર્મ અને સંસ્કૃતિ પ્રત્યેની શ્રદ્ધા વ્યક્ત કરવામાં આવી હતી. હિન્દુ પરંપરામાં વિજયાદશમીના દિવસે શસ્ત્રપૂજનનું વિશેષ મહત્ત્વ રહેલું છે. આ પર્વ અસત્ય પર સત્ય અને અધર્મ પર ધર્મના વિજયનું પ્રતીક માનવામાં આવે છે. ભગવાન શ્રીરામે રાવણ પર મેળવેલા વિજયની સ્મૃતિ સાથે આ દિવસ ધર્મના માર્ગે અડગ રહેવાની પ્રેરણા આપે છે. આયોજકોના જણાવ્યા મુજબ, આ કાર્યક્રમો દ્વારા યુવા પેઢીમાં રાષ્ટ્રપ્રેમ અને સંસ્કારોનું સિંચન કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. સાથે જ ભારતીય સંસ્કૃતિની પરંપરાઓને જાળવી રાખવા અને સમાજમાં એકતાની ભાવના મજબૂત કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. શસ્ત્રપૂજનના આ આયોજનોમાં શૌર્ય, રાષ્ટ્રભક્તિ અને સાંસ્કૃતિક મૂલ્યોનું મહત્ત્વ ઉજાગર કરવામાં આવ્યું હતું. તેમ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા જણાવાયું હતું.