મહાદેવ કિરાના ભંડાર અને ઊમી ગેસ એજન્સી પર એસઓજીની કાર્યવાહી, બે આરોપી ઝડપાયા
મોરબી : વાંકાનેર તાલુકાના ઢુવા-માટેલ રોડ પર આવેલી બે દુકાનમાં ગેસના બાટલામાં ગેરકાયદેસર રીતે રિફિલિંગ થતું હોવાની સામે આવેલી વિગતોના આધારે એસઓજીની ટીમે દરોડા પાડ્યા હતા. પ્રયાગ પ્લાઝા-૨માં આવેલી મહાદેવ કિરાના ભંડાર અને ખોડિયાર-૨ ચેમ્બરમાં આવેલી ઊમી ગેસ એજન્સીમાંથી ગેસના ભરેલા અને ખાલી મળી કુલ ૧૨૭ બાટલા તેમજ રિફિલિંગનાં સાધનો કબજે કરવામાં આવ્યાં હતાં. બંને સ્થળેથી કુલ રૂ. ૨,૫૭,૯૦૦નો મુદ્દામાલ જપ્ત કરી બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આ મામલે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં અલગ-અલગ બે ફરિયાદ નોંધાવી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
મોરબી એસઓજીની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે સનહાર્ટ સિરામિકની સામે આવેલા પ્રયાગ પ્લાઝા-૨માં મહાદેવ કિરાના ભંડાર ખાતે તપાસ કરતાં અલગ-અલગ કંપનીના નાના-મોટા ૮૧ ખાલી અને ૧૨ ભરેલા ગેસના બાટલા તેમજ ગેસ રિપેરિંગનાં સાધનો મળી આવ્યાં હતાં. પોલીસે રૂ. ૧,૮૨,૪૫૦નો મુદ્દામાલ કબજે કરી ગુલશન પાર્ક સોસાયટી, વાંકાનેરના અયાજભાઈ અબ્દુલકરીમભાઈ મેમણની ધરપકડ કરી હતી. આ ગુનામાં વાંકાનેરના પ્રશાંતભાઈ ભરવાડને પકડવાના બાકી છે. બીજી તરફ, રોલસ્ટાર સિરામિકની સામે આવેલા ખોડિયાર-૨ ચેમ્બરમાં ઊમી ગેસ એજન્સી પર દરોડા દરમિયાન ૨૮ ખાલી અને પાંચ ભરેલા ગેસના બાટલા તેમજ રિફિલિંગનાં સાધનો મળી આવ્યાં હતાં. અહીંથી રૂ. ૭૫,૪૫૦નો મુદ્દામાલ કબજે કરી ગુલશન પાર્ક સોસાયટી, વાંકાનેરના અમીનભાઈ અબ્દુલકરીમભાઈ મેમણની ધરપકડ કરવામાં આવી હતી. બંને આરોપીઓ અને કબજે કરેલો મુદ્દામાલ વાંકાનેર તાલુકા પોલીસને સોંપવામાં આવ્યાં છે.