MRC કમિટીમાં બેસવાનો ખેડૂતોનો ઈનકાર : 4/7નો પરિપત્ર રદ કરી યોગ્ય વળતર ન મળે ત્યાં સુધી લડત ચાલુ રાખવાનું એલાન, 10 હજાર ફૂડ પેકેટ સાથે સવારથી કચેરીએ ધામા
(RB NEWS ( ગ્રાઉન્ડ રિપોર્ટ- ફાઉન્ડર રવી બરાસરા) : વીજલાઈનોના વળતર મુદ્દે આજે મોરબી કલેક્ટર કચેરી ખાતે MRC કમિટીની બેઠક યોજવામાં આવી રહી છે ત્યારે જેતપર સહિત મોરબી, હળવદ, માળિયા અને વાંકાનેર તાલુકાના વિવિધ ગામોમાંથી હજારો ખેડૂતો મહિલાઓ અને બાળકો સાથે કલેક્ટર કચેરીએ ઉમટી પડ્યા છે. ખેડૂતોનો સ્પષ્ટ નિર્ણય છે કે 4/7નો પરિપત્ર રદ કરી યોગ્ય વળતર સહિતની માંગણીઓ સંતોષવામાં નહીં આવે ત્યાં સુધી MRC કમિટીની બેઠકમાં બેસવું કે કમિટી રચવામાં સહકાર આપવો નહીં. સવારથી જ મોટી સંખ્યામાં ખેડૂતો કચેરીએ પહોંચતા તંત્ર દ્વારા સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવવામાં આવી છે અને LCB તથા SOG સહિતનો પોલીસ સ્ટાફ પણ સ્ટેન્ડબાય રાખવામાં આવ્યો છે.
કલેક્ટર કચેરી ખાતે આજે સવારે 10 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી અલગ અલગ તબક્કામાં તાલુકાવાર અને ગામવાર ખેડૂતોને બોલાવવામાં આવ્યા છે. આ માટે પાંચ પરિશિષ્ટ મુજબ બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ખેડૂતોની સુવિધા માટે મોરબી ગ્રામ્ય, ટંકારા, હળવદ અને માળિયા માટે અલગ અલગ હેલ્પડેસ્ક ઉભા કરવામાં આવ્યા છે. કયા ગામના ખેડૂતોને કઈ જગ્યાએ જવાનું છે અને બેઠક માટેની વ્યવસ્થા અંગે હેલ્પડેસ્ક પરથી માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે.
બીજી તરફ મોટી સંખ્યામાં ખેડૂતો કચેરી ખાતે પહોંચતા કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે કલેક્ટર કચેરીના ગેટ A અને C બંધ કરી દેવામાં આવ્યા છે અને માત્ર ગેટ B ખુલ્લો રાખવામાં આવ્યો છે. કચેરી પરિસરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
‘માંગણી નહીં સંતોષાય ત્યાં સુધી MRC કમિટીમાં નહીં બેસીએ’
ખેડૂત આગેવાન નેહુલભાઈ અમૃતિયાના જણાવ્યા મુજબ, ખેડૂતો MRC કમિટીની બેઠકમાં બેસવા કે કમિટી બનાવવા બિલકુલ સહમત નથી. ખેડૂતોનું કહેવું છે કે 4/7નો પરિપત્ર કાયદા વિરુદ્ધ છે અને આ પરિપત્ર રદ કરવાની તેમજ ખેડૂતોની માંગણીઓ સંતોષવાની માગ સાથે તા.14 જુલાઈના રોજ કલેક્ટરને પદયાત્રા સ્વરૂપે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
નેહુલ અમૃતિયાએ જણાવ્યું કે જ્યાં સુધી પરિપત્ર રદ કરવામાં નહીં આવે અને ખેડૂતોની માંગણીઓ સંતોષવામાં નહીં આવે ત્યાં સુધી ખેડૂતો MRC કમિટીની બેઠકમાં બેસશે નહીં. ખેડૂતો કમિટી બનાવવાના બદલે તેમની માંગણીનો ઉકેલ આવે તે ઈચ્છે છે. જો ખેડૂતો બેઠકમાં હાજર ન રહે અથવા કમિટી બનાવવા સહમત ન થાય તો તંત્ર પોતાની રીતે કમિટીની રચના કરી દેશે તેવી વાત સામે આવતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે.
પરિવાર સાથે પહોંચ્યા, 10 હજાર ફૂડ પેકેટ પણ લાવ્યા
વીજલાઈનના વિરોધમાં છેવાડાના ગામોમાંથી પણ મોટી સંખ્યામાં ખેડૂતો મોરબી કલેક્ટર કચેરીએ પહોંચ્યા છે. આ વિરોધમાં મહિલાઓ અને નાના બાળકો પણ જોડાયા છે. મહિલાઓના જણાવ્યા મુજબ, તેઓ પોતાનું કામકાજ મૂકીને અને બાળકોને શાળાએથી રજા રખાવીને પોતાના હક માટે લડવા આવ્યા છે.
ખેડૂતો બસો, રિક્ષા સહિતના વાહનો ભરીને કચેરીએ પહોંચ્યા છે. ખેડૂતો દ્વારા આશરે 10 હજાર જેટલા ફૂડ પેકેટ સાથે લાવવામાં આવ્યા છે. સાથે જમવાની વ્યવસ્થા ઉપરાંત ખાટલા પણ લાવવામાં આવ્યા છે. ખેડૂતોનું કહેવું છે કે જો તંત્ર તેમની વાત નહીં સાંભળે અને યોગ્ય ન્યાય નહીં મળે તો તેઓ કલેક્ટર કચેરી ખાતે જ પડાવ નાખવાની તૈયારી સાથે આવ્યા છે અને માંગણી સંતોષાય ત્યાં સુધી લડત ચાલુ રાખવામાં આવશે.
સવારથી સાંજ સુધી પાંચ તબક્કામાં ખેડૂતોને બોલાવાયા
સવારે 10 વાગ્યાના પ્રથમ તબક્કામાં 765 કે.વી. ડી.સી. કે.પી.એસ.-2 (GIS) હળવદ ટ્રાન્સમિશન લાઇન અંતર્ગત મોરબી તાલુકાના ચકમપર, જેતપર, પીપળી, રાપર, સોખડા, વાઘપર, હળવદ તાલુકાના નવા દેવળીયા, જુના દેવળીયા તથા માળિયા મીંયાણા તાલુકાના જાંબુસર, માળિયા, નાની બરાર, રાસંગપર, સોનગઢ, વાઘરવા અને વિરવદરકા ગામના ખેડૂતોને બોલાવવામાં આવ્યા છે. આ તબક્કામાં કુલ 823 ખેડૂતો માટે વ્યવસ્થા કરવામાં આવી છે.
બપોરે 12 વાગ્યાના બીજા તબક્કામાં 765 કે.વી. હળવદ ટ્રાન્સમિશન લાઇન, 765 કે.વી. સીસો ઓફ લાકડીયા-અમદાવાદ અને 765 કે.વી. હળવદ-જામનગર વીજલાઇન હેઠળ હળવદ તાલુકાના ઘનશ્યામપુર, કેદારીયા, માનસર, મેરૂપર, રાણેકપર, સાપકડા, શિરોઈ, સુંદરગઢ, સુસવાવ, બુટાવડા, હળવદ, કોયબા, મંગળપુર, વેગડવાવ, ભલગામડા, ચુંપણી અને દીઘડીયા ગામના ખેડૂતો માટે બેઠક રાખવામાં આવી છે. આ તબક્કામાં 874 ખેડૂતોને બોલાવવામાં આવ્યા છે.
બપોરે 2 વાગ્યાના ત્રીજા તબક્કામાં 765 કે.વી. હળવદ-જામનગર વીજલાઇન સંદર્ભે હળવદ તાલુકાના માણેકવાડા અને ભીમગુડા; વાંકાનેર તાલુકાના જાંબુડીયા, જાંબુડીયા-પંચાસીયા, જામસર, કોઠારીયા, માણેકવાડા, માટેલ, પંચાસીયા, રાણેકપર, વઘાસીયા અને વિઠ્ઠલપર તથા ટંકારા તાલુકાના અમરાપર, છતર, હીરાપર, જબલપુર, ઓટાળા, રાજાવડ, સરાયા, સાવડી, ટંકારા અને ટોળ ગામના ખેડૂતો માટે વ્યવસ્થા કરવામાં આવી છે. આ તબક્કામાં પણ 874 ખેડૂતોને બોલાવવામાં આવ્યા છે.
સાંજે 4 વાગ્યાના ચોથા તબક્કામાં 800 કે.વી. ખાવડા-નાગપુર વીજલાઇન (પાવરગ્રીડ કંપની) હેઠળ મોરબી તાલુકાના જેતપર ટીકડા-1, જેતપર ટીકડા-2, ચકમપર, જીવાપર ચકમપર, સોખડા, પીપળી અને સાપર તથા માળિયા તાલુકાના રાપર, જાંબુસર, માળિયા, નાની બરાર, રાસંગપર, સોનગઢ, વાઘરવા અને વિરવદરકા ગામના ખેડૂતોને બોલાવવામાં આવ્યા છે. આ તબક્કામાં 862 ખેડૂતો માટે બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે.
સાંજે 6 વાગ્યાના પાંચમા તબક્કામાં 800 કે.વી. ખાવડા-નાગપુર, 66 કે.વી. ચરાડવા-માણાક, 66 કે.વી. પાંડાતીર્થ-માનસર અને 66 કે.વી. કલાવડી-ધીયાવડ વીજલાઇન હેઠળ મોરબી તાલુકાના શીશોયાળી; હળવદ તાલુકાના ચરાડવા, દેવીપુર, ચિત્રોડી, સરંભડા, કડીયાણા, દીઘડીયા, માણાક, રાયસંગગઢ, માનસર, મેરૂપર, પાંડાતીર્થ અને સુંદરગઢ તથા વાંકાનેર તાલુકાના ધીયાવડ, વઘાસીયા, ખેરવા, કરાકોટ અને કલાવડી ગામના ખેડૂતો માટે બેઠક રાખવામાં આવી છે. આ તબક્કામાં 567 ખેડૂતોને બોલાવવામાં આવ્યા છે.
આમ, સવારે 10 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી પાંચ તબક્કામાં કુલ 4,000 ખેડૂતો માટે MRC પ્રક્રિયાની બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે. જોકે કલેક્ટર કચેરી ખાતે મોટી સંખ્યામાં પહોંચેલા ખેડૂતો દ્વારા તેમની મૂળ માંગણીઓનો ઉકેલ આવ્યા વગર MRC કમિટીમાં બેસવાનો સ્પષ્ટ ઈનકાર કરવામાં આવ્યો છે. હવે તંત્ર દ્વારા ખેડૂતો સાથે કેવી રીતે પ્રક્રિયા આગળ ધપાવવામાં આવે છે તેના પર સૌની નજર છે.