ગઈકાલે સાંજની દુર્ઘટનાના ચાર લોકો ડૂબ્યા બાદ બેનો બચાવ, હજુ એકની શોધખોળ ચાલુ
મોરબી : મોરબી તાલુકાના જુના સાદુળકા ગામ નજીક મચ્છુ નદીમાં ગણપતિ વિસર્જન દરમિયાન ચાર લોકો ડૂબી જતાં કરુણ દુર્ઘટના સર્જાઈ હતી. બનાવમાં બે યુવકોને સાથે ગયેલા લોકોએ પાણીમાંથી બહાર કાઢી બચાવી લીધા હતા, જ્યારે ઊંડા પાણીમાં ગરક થયેલા અન્ય બે પૈકી એક યુવકનો મૃતદેહ મોડીરાત્રે મળી આવ્યો હતો. હજુ એક યુવકની ભાળ ન મળતાં ફાયર બ્રિગેડ દ્વારા શોધખોળ ચાલુ રાખવામાં આવી છે.
મોરબી તાલુકાના નવી પીપળી નજીક આવેલી શાંતિનગર સોસાયટીના રહીશો ગઈકાલે સાંજે ગણપતિ વિસર્જન માટે જુના સાદુળકા નજીક મચ્છુ નદી ખાતે ગયા હતા. સાંજે આશરે સાત વાગ્યાના અરસામાં મૂળ મધ્યપ્રદેશના અને હાલ નવી પીપળીમાં રહેતા આકાશ માલિયા, મૂળ મહારાષ્ટ્રના આકાશ ગજાનંદભાઈ ખરાત, સોહન કુલડીયા અને વિલાસ સુભાષભાઈ ગાયકવાડ પાણીમાં ઉતર્યા હતા.
દરમિયાન ચારેય અચાનક ઊંડા પાણીમાં ડૂબવા લાગ્યા હતા. ઘટનાથી અફરાતફરી મચી જતાં સાથે ગયેલા લોકોએ તાત્કાલિક મદદ કરીને આકાશ માલિયા અને આકાશ ખરાતને પાણીમાંથી બહાર કાઢી લીધા હતા. જોકે સોહન કુલડીયા અને વિલાસ ગાયકવાડ ઊંડા પાણીમાં ગરક થઈ ગયા હતા.
બનાવની જાણ થતાં મોરબી ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને બંનેની શોધખોળ માટે સર્ચ-રેસ્ક્યુ શરૂ કર્યું હતું. લાંબી શોધખોળ બાદ મોડીરાત્રે વિલાસ ગાયકવાડનો મૃતદેહ મળી આવ્યો હતો. જ્યારે સોહન કુલડીયાની હજુ સુધી ભાળ મળી નથી અને ફાયર વિભાગ દ્વારા તેની શોધખોળ ચાલુ રાખવામાં આવી છે. ગણેશ વિસર્જનના પ્રસંગે મચ્છુ નદીમાં ચાર લોકો ડૂબી જતાં બેનો બચાવ થયો હતો, જ્યારે બે પૈકી એકનું મોત થયું છે અને અન્ય એકની શોધખોળ હજુ ચાલી રહી છે.