મોરબી શહેર સહિત જિલવાભરમાં તરખાટ મચાવતા તસ્કરો હવે શિયાળો વિદાય લેવાની તૈયારી કરતો હોવા છતાં તરખાટ યથાવત રાખ્યો હોવાની વચ્ચે મોરબીની એક જાણીતી હોસ્પિટલના મેડિકલ સ્ટોરમાંથી જે રીતે ચોરી થઈ એ મુજબ કોઈ જાણભેદુની સંડોવણીની શંકા પોલીસને જાગી છે. જો આ દિશામાં પોલીસ તપાસ ચાલુ હશે તો સાંજ સુધીમાં પોલીસ આરોપીઓને મુદ્દામાલ તરીકે ચોરીનો ભેદ ઉકેલાય ગયાનું જાહેર કરી દેશે.
મોરબીની ખાનગી હોસ્પિટલ ઝોન વિસ્તાર ગણાતા સાવસર પ્લોટમાં આવેલી ગોકુલ હોસ્પિટલમાં આવેલા મેડિકલ સ્ટોરના ખાનામાંથી કોઈ શખ્સ રોકડા રૂપિયા 1.70 લાખની ચોરી કરી જતા મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે અને સાવસર પ્લોટમાં આવેલ ગોકુલ હોસ્પિટલના મેડિકલ સ્ટોરના ટેબલના ખાનામાંથી રોકડા રૂપિયા 1.70 લાખની ચોરી થઈ જતા હોસ્પિટલના સંચાલક વિમલભાઇ જેરામભાઇ બોડાએ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે, કે, ફરિયાદમાં ડોકટરની ઓફીસમાથી ચાવી મેળવી મેડીકલ સ્ટોરના દરવાજાનો લોક ખોલી ટેબલના ખાનામા રાખેલ રોકડની ચોરી કરવામાં આવી હોવાનું જણાવાયું છે. જો કે , પોલીસને આ ચોરીની ઘટનામાં જાણભેદુની સંડોવણી શંકા છે.
મેડિકલ સ્ટોરમાંથી ચોરીની ઘટનામાં હાલ અંદરો અંદર એવી ચર્ચા થઈ રહી છે કે, ચોરોને ચાવી ક્યાં પડી અને ટેબલમાં કેટલા રૂપિયા એની ક્યાંથી ખબર પડી ? કારણ કે પ્રોફેશનલ ચોર તો દિવસે નહિ રાત્રે અને એ પણ ચાવી શોધવાની ઝંઝટમાં પડે જ નહીં . તેમજ આ ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. એટલે કોઈ અંદરના વ્યક્તિની સંડોવણી હોવાની પોલીસને પૂરેપૂરી શંકા છે. એટલે થોડીવારમાં જ આ ચોરીનો ભેદ ઉકેલાય જવાનું પોલીસ જાહેર કરશે તેવું ચર્ચાઈ રહ્યું છે.