Wednesday - Apr 22, 2026

મોરબીના પંચાસર રોડના કામ અને તૂટેલી લાઈન રીપેર કરવા મુદ્દે સ્થાનિકોનો ચક્કાજામ

મોરબીના પંચાસર રોડના કામ અને તૂટેલી લાઈન રીપેર કરવા મુદ્દે સ્થાનિકોનો ચક્કાજામ

 મોરબી શહેરમાં આવેલા પંચાસર રોડ પર હમણાંથી નવીનીકરણનું કામ ચાલતું હોય પણ આ રોડના કામ માટે એક સાઈડનો રોડ બંધ કરાતા 30 સોસાયટીઓને ટ્રાફિકની ભારે મુશ્કેલ થતી હોય તેમજ અગાઉ 200 મકાનોના ડીમોલેશન દરમિયાન પાણી  તોડેલી પાઇપલાઇન રીપેર કરવાની માંગ સાથે લોકોએ ચક્કાજામ કરીને હોબાળો મચાવ્યો હતો. જો કે બાદમાં  ટ્રાફિક પૂર્વવત થઈ ગયા બાદ ધારાસભ્યએ પંચાસર રોડને ડબલ પટ્ટીનો પણ એકદમ મજબૂત બનાવવાનો હોય એટલે લોકોને ટ્રાફિકની થોડી મુસીબત સહન કરવાની શિખામણ આપી છે.

મોરબીના હાર્દ સમાન એવા હજારો વાહનોની અવરજવર ધરાવતા મુખ્ય માર્ગ પંચાસર રોડ ઉપર આડેધડ મકાનો સહિતના દબાણો ખડકી દેતા લોકોને ચાલવા કે વાહનો નીકળવા મામલે સાવ સાંકડો માર્ગ થઈ જવાથી કાયમી ટ્રાફીકજામની હૈયાહોળી સર્જાઈ હતી. તેમાં પણ અધુરામાં પૂરુંની જેમ આ રોડ તાજેતરમાં કરોડોના ખર્ચે એકદમ મજબૂત અને ડબલ પટ્ટીનો નવો બનાવવાની મજૂરી મળતા પહેલા રોડને પહોળા કરવાના કામ દરમિયાન અડચણરૂપ આશરે 200 જેટલા મકાનોનો સફાયો કાઢીને અન્ય વિસ્તારની પાણીની લાઈન પણ તોડી નાખી હતી. પણ પાણીની પરવા કર્યા વગર તંત્રએ થોડા સમય પહેલા જ પંચાસર રોડનું કામ શરૂ કરી દીધું હતું. પણ સ્થાનિકોના કહેવા મુજબ, પંચાસર રોડ પર દોઢ મહિનાથી એક સાઇડનો રોડનુ ખોદકામ કરેલુ હોવાથી આ પંચાસર વિસ્તારમાં આવેલી 30 સોસાયટીવાળા લોકોને દરરોજ ટ્રાફિક તેમજ ગટર ઉભરાવવાની સમસ્યાનો સામનો કરવો પડે છે. તેમજ પાણીની લાઈન પણ તૂટી ગઈ હોય જેને હજુ સુધી રીપેર ન કરતા મહિલાઓને જ્યાં ત્યાં પાણી માટે ભટકવું પડે છે. એટલે આ રોડ પર પાણી પ્રશ્ન અને ટ્રાફિકજામને કારણે રહેવાસીઓએ આ રોડ-રસ્તા બંધ કરીને આગામી દિવસોમાં જો આ પંચાસર વિસ્તારની સમસ્યાનુ યોગ્ય નિરાકરણ ન આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી આપી છે.