Sunday - Sep 27, 2026

યુવાન પાનું લેવા ટ્રક નીચે ગયો, અચાનક પાછળના ભાગે ટ્રક રળતા યુવાનનું કચડાઈ જવાથી મોત

યુવાન પાનું લેવા ટ્રક નીચે ગયો, અચાનક પાછળના ભાગે ટ્રક રળતા યુવાનનું કચડાઈ જવાથી મોત

વાંકાનેરના સરતાનપર રોડ પર સીરામિક કારખાનામાં સર્જાયેલા અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા રાજસ્થાનના યુવાને સારવાર દરમ્યાન દમ તોડ્યો

મોરબી : વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ પર આવેલા સીરામિક કારખાનામાં ટ્રક રિપેરિંગ બાદ નીચે રહી ગયેલું પાનું લેવા ગયેલા 19 વર્ષીય યુવાન ઉપર અચાનક ટ્રક પાછળના ભાગે ટ્રક રળતા ટ્રક હેઠળ કચડાઈ જવાથી ગંભીર રીતે ઈજાગ્રસ્ત યુવાનનું મોરબી બાદ રાજકોટ ખાતે સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

મૂળ મધ્યપ્રદેશના વારની ગામનો રહેવાસી દિલીપ કાલુરામ પવાર (ઉં.વ.19) નામનો યુવાન ટ્રક નં. RJ-50-GB-1836 લઈને વાંકાનેરના સરતાનપર રોડ પર આવેલા રીચ સીરામિક કારખાનામાં માલ ભરવા ગયો હતો. તે દરમિયાન કારખાનાના ગ્રાઉન્ડમાં ટ્રકનું પિસ્ટન તૂટી જતાં મિસ્ત્રીને બોલાવી તેનું રિપેરિંગ કામ કરાવવામાં આવ્યું હતું. રિપેરિંગ દરમિયાન નટ-બોલ્ટ ખોલવા માટે ઉપયોગમાં લેવાતું પાનું ટ્રકની નીચે રહી ગયું હતું. ટ્રક ચાલુ કરી એરપ્રેશર ભરવાની કામગીરી ચાલી રહી હતી ત્યારે દિલીપ પાનું લેવા માટે ટ્રકની નીચે ગયો હતો. આ દરમિયાન ટ્રક યોગ્ય રીતે સ્થિર ન હોવાને કારણે અચાનક પાછળ ખસ્યો હતો અને કેબિન પાછળનું ટાયર દિલીપના શરીર પરથી ફરી વળ્યું હતું.

અકસ્મતમાં દિલીપને પેટ અને કમરના ભાગે ગંભીર ઈજાઓ થતાં તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની હોસ્પિટલમાં ખસેડાયો હતો. સ્થિતિ ગંભીર હોવાથી વધુ સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે મૂળ મધ્યપ્રદેશના રહેવાસી કમલસિંહ હરિસિંહ સોનીગરની ફરિયાદના આધારે વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં અકસ્માત મોત અંગે નોંધ કરી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.