ધો.3 થી 5 માં પિરિયડ પદ્ધતિ હોવાથી શિક્ષકો તાસ પૂરતો જ ન્યાય આપતા હોય વાંચન લેખન, ગણન કે દ્રઢીકરણ પુનરાવર્તનમાં ધ્યાન ન આપી શકતા વિદ્યાર્થીઓની ક્ષમતા કાચી રહી જતી હોવાની રાવ
મોરબી : મોરબી જિલ્લાના તમામ તાલુકામાંથી આવેલા શિક્ષકો અને વિદ્યાર્થીઓના પ્રશ્નો રાજ્ય કારોબારીમાં રજૂ કરવામાં આવ્યા હતા જેમાં વર્ષ:-૨૦૦૫ પછી ફરજ પર નિયુક્ત થયેલ શિક્ષકોને જૂની પેંશન યોજના લાગુ કરવી, જિલ્લાફેર બદલી કેમ્પ સત્વરે કરવા, વર્ષ:-૧૯૯૮ થી નિમણુંક પામેલા શિક્ષકોને માંદગી સબબની રજા કેરી ફોરવર્ડ કરવી, HTAT મુખ્ય શિક્ષક સિવાયની શાળામાં ઈન્ચાર્જ આચાર્ય તરીકે ફરજ બજાવતા સિનિયર શિક્ષકને મહેકમમાં ન ગણવા, ઈન્ચાર્જ આચાર્ય તરીકે ફરજ બજાવતા સિનિયર શિક્ષકોને આચાર્ય ચાર્જ એલાઉન્સમાં વધારો કરવો સહિતના પ્રશ્નો રજૂ કરાયા હતા.
શાળાઓમાં વિદ્યાર્થીઓ સ્વચ્છતા,વૃક્ષોને પાણી પાવું વગેરે જીવન કૌશલ્યોના કામો કરતા હોય છે ત્યારે અમુક વ્યક્તિઓ વિડીઓ ઉતારી વાયરલ કરે છે અને એના આધારે ડીપીઈઓ તપાસના આદેશો આપી દે છે એ અન્વયે શિક્ષણ વિભાગમાંથી માર્ગદર્શિકા જાહેર કરવી, શાળાઓમાં એસએમસીને આપવામાં આવતી ગ્રાન્ટ વર્ષની શરૂઆતમાં જ આપવામાં આવે જેથી જરૂરી અને યોગ્ય વપરાશ કરી શકાય, શાળા કક્ષાએ એસએમસીમાં આવતું અનુદાનનો હિસાબ ટેલી સોફ્ટવેરમાં લખવા માટે એકાઉન્ટન્ટ ફાળવવામાં આવતા હતા એ ચાલું વર્ષે હજુ સુધી ફાળવેલ ન હોય સત્વરે ફાળવવા, ધો.3 થી 5 માં પિરિયડ પદ્ધતિ હોવાના કારણે વિષય શિક્ષક માત્ર પોતાનો તાસ પૂરતો જ ન્યાય આપી શકે છે, વાંચન લેખન, ગણન કે દ્રઢીકરણ પુનરાવર્તનમાં ધ્યાન આપી શકતા ન હોય વિદ્યાર્થીઓની ઉપરોક્ત ક્ષમતા કાચી રહી જતી હોય તાસ પદ્ધતિ બંધ કરવી જોઈએ. ધો. 6 થી 8 ના શિક્ષકોને અલગ પગાર ધોરણ આપવું, ધો.1 થી 8 ની પરીક્ષા એકીસાથે લેવી અને ધો.6 થી 8 માં લેખિત પરીક્ષા 80 માર્કની લેવામાં આવે છે પણ માર્ક તો અડધા કરીને જ મુકવામાં આવતા હોય લેખિત પરીક્ષા 40 ગુણની જ લેવી તેવી માંગ કરાઈ છે.