સુન્ની મુસ્લીમ કસબા જમાત અને મિયાણા સમાજે એસપી અને કલેક્ટરને આવેદન આપી આરોપીઓને કડક સજા અપાવી હતભાગી પરિવારને ન્યાય આપવાની રજુઆત કરી
મોરબી: મોરબીમાં તાજેતરમાં જમીન મકાન લે-વેચના ધંધાર્થી તાજ મહમદભાઈ કરીમભાઈ ભટ્ટીની કરપીણ હત્યા કરવામાં આવી હતી. આ જઘન્ય હત્યા કેસમાં પકડાયેલા આરોપીઓનું જાહેરમાં સરઘસ કાઢવાની માંગ સાથે સુન્ની મુસ્લીમ કસબા જમાત અને મિયાણા સમાજ દ્વારા મોરબી જિલ્લા એસપી અને કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે.
આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર, તાજ મહમદભાઈની હત્યા કરી લાશને સળગાવી, જમીનમાં દાટી દીધા બાદ તેના પર સિમેન્ટ કોંક્રિટનું ધાબું ભરી દઈને નિર્મમ હત્યા કરવામાં આવી હતી. આ ગુનામાં પોલીસે 5 આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે હજુ પણ 2 આરોપીઓ પોલીસ પકડથી દૂર છે.
મિયાણા સમાજના પ્રમુખ અકબરભાઈ મોવરે મીડિયાને માહિતી આપતા જણાવ્યું હતું કે, સમાજમાં શાંતિ જળવાઈ રહે અને ન્યાય મળે તે હેતુથી હત્યામાં પકડાયેલા પાંચેય આરોપીઓનું જાહેરમાં સરઘસ કાઢવામાં આવે તેવી અમારી માંગ છે. આરોપીઓનું જાહેરમાં સરઘસ નીકળશે તો ગુનાહિત પ્રવૃત્તિઓ અટકશે અને આવા કૃત્ય કરતા પહેલા ગુનેગારો વિચાર કરશે.
વધુમાં અકબરભાઈએ જણાવ્યું હતું કે, બાકીના 2 આરોપીઓ પકડાયા બાદ પોલીસ દ્વારા રિકન્સ્ટ્રક્શન કરવામાં આવશે તેવી ખાતરી આપવામાં આવી છે. હાલ મિયાણા સમાજ દ્વારા આરોપીઓને કડકમાં કડક સજા મળે તેવી માંગ સાથે કલેક્ટર અને એસપીને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે.