Saturday - Jul 04, 2026

મોરબીના શિક્ષિત મહિલાનો પરિવાર, નોકરીની સાથે ઝૂંપટપટ્ટીના બાળકોને વિદ્યાદાન આપવાનો કપરો સંઘર્ષ

મોરબીના શિક્ષિત મહિલાનો પરિવાર, નોકરીની સાથે ઝૂંપટપટ્ટીના બાળકોને વિદ્યાદાન આપવાનો કપરો સંઘર્ષ

પતિના અવસાન બાદ તેમના સેવાકાર્યોને આગળ ધપાવી ગરીબ બાળકોને સંસ્કાર સાથે રમતા રમતા આપે છે શિક્ષણ

(સ્પે મોટેવીશન સ્ટોરી બાય રવિ બરાસરા) : મોટાભાગના મહિલાઓ દામ્પત્ય જીવનમાં સંતાનો, પતિ, સાસુ સસરાના જીવનના બહેતર બનાવવામાં એટલા બધા વ્યસ્ત થઈ જાય છે કે, અન્ય કોઈ બીજાના હિત વિશે વિચારવાનું તો બાજુએ રહ્યું પણ પોતાની જાતની ખુશી પણ ભૂલી જાય છે. ત્યારે મોરબીના ઉમિયા સર્કલ પાસે રહેતા અને ખાધેપીધે સુખી સંપન્ન પરિવારના 35 વર્ષના મીનાક્ષીબેન શાહ નામના મહિલા પરિવાર અને નોકરીની સાથેસાથે ઝૂંપટપટ્ટીના બાળકોને વિદ્યાદાન આપી તેમનું જીવન બહેતર બનાવવા રીતસરનો કપરો સંઘર્ષ કરી રહ્યા છે. તેમના પતિ સેવાકાર્યો કરતા હોય પણ 4 વર્ષ અગાઉ પતિના અવસાન થયા બાદ વ્યથિત થઈને આઘાતથી ભાંગી પડવાને બદલે પતિના સેવાકાર્યો આગળ ધપાવી બીજાના જ ભલામાં આપણું ભલું સમજીને સેવપ્રવૃત્તિ કરી રહ્યા છે. જેમાં બીકોમ સુધી ભણેલા મીનાક્ષીબેન માતાપિતા સહિતના પરિવારની જવાબદારી નિભાવવાની સાથે ખાનગી ક્ષેત્રે જોબ કરીને દરરોજ સાંજે સમય મળે ત્યારે સ્કૂટર લઈને શ્રીમંત વિસ્તાર ગણાતા એસપી રોડ પર આવેલી ઝૂંપટપટ્ટીમાં રહેતા ગરીબોના બાળકોને પૌષ્ટિક આહાર આપવા જતા. દરમિયાન અઢી માસ પહેલા તેમણે ત્યાં કંચનબેન આધારા નામના વયસ્ક મહિલાને આ ઝૂંપટપટ્ટીના બાળકોને ભણાવી રહ્યા હોવાનું જોતા જ શિક્ષણથી વંચિત આ બાળકોને વિદ્યાદાન આપવાની અંતર મનથી ઈચ્છા થઈ અને કંચનબેનને હવે પછી તેઓ બાળકોને ભણાવશે તેવું કહીને મીનાક્ષીબેને આ બાળકોને શિક્ષિત કરવાનો દૌર તેમણે એકલા હાથે ઉચકી લીધો, બસ ત્યારથી જ તેઓ ગરીબ બાળકોને એકડે એકથી લઈ પદ્ધતિસરનું હાલ પ્રાથમિક શિક્ષણ આપવાના ભગીરથ કાર્યમાં મંડી પડ્યા છે. જો કે એસપી રોડ ઉપર ઝૂંપટપટ્ટી પાસે આવેલા ભવ્ય ખાનગી ક્રિકેટ ગાઉન્ડ પાસે જ બાળકો માટે ભણવા માટે અનુકૂળ જગ્યા કરી દીધી અને કોઈ સેવાભાવીએ સ્લેટ, બ્લેક બોર્ડ સહિતની તમામ જરૂરિયાતની સુવિધા પૂરી પાડી છે. હવે તેઓ દરરોજ નોકરી પુરી કરી સાંજે સ્કૂટર લઈને અહીં આવે અને બાળકોને એકઠા કરી સતત બે કલાક સુધી ભણાવે છે. આ બાળકોએ કદી શાળાએ ગયા ન હોય એટલે એમને શિક્ષણ આપવું સહેલું નથી. આથી આ મહિલા પહેલા બાળકોને મનગમતી પ્રવૃત્તિ કરાવે, એમને રમાડે, પૌષ્ટિક આહાર ખવડાવે, જાતે જ બાળક બનીને એની સાથે રમે, કવિતા, લોકગીત ગાયને શીખવાડે એ રીતે રમતા રમતા એકડે એકથી કક્કો બારખડી અને એથી પણ વધીને ધીરેધીરે આગળનું ભણતર પણ ભણાવે છે. જો કે આ મહિલા અહીંના 20 જેટલા બાળકોને ભણાવવાની સાથે સર્વાંગી વિકાસ કરવા પણ મથી રહ્યા છે.
 

મોરબીના શિક્ષિત મહિલાનો પરિવાર, નોકરીની સાથે ઝૂંપટપટ્ટીના બાળકોને વિદ્યાદાન આપવાનો કપરો સંઘર્ષ

બાળકોને કચરો વિણવાનું માંડ બંધ કરાવ્યું

મીનાક્ષીબેન કહે છે કે, ઝૂંપટપટ્ટીઓની એવી કંગાળ હાલત છે કે, ઝૂંપટપટ્ટીઓ તૂટેલી ,વેરવિખેર અને મોટા પ્રમાણમાં કચરો અને ભંગાર જ્યાં ત્યાં પડ્યો છે. ઝૂંપટપટ્ટીમાં રહેતા ગરીબો ભણેલા જ નથી. એટલે એમના બાળકો ક્યાંથી ભણે, કારણ કે એમની એવી સારી આર્થિક સ્થિતિ જ નહિ સમજણ શક્તિનો પણ અભાવ છે. આ લોકો ભંગાર, કચરો વીણવાનું કામ કરતા હોય તેમના બાળકો પણ કચરો જ વીણવાનું જ કામ કરતા હતા. પણ મેં આ બાળકોને ભણાવવાનું શરૂ કર્યું તે પછી ફરી એ બાળકોને કચરો વિણતા જોયા, એટલે આ રીતે તો મારી બધી મહેનત વ્યર્થ જાય, આથી મેં બાળકોને કચરો વીણવા નહિ જવા અને માત્ર ભણવા પણ ધ્યાન આપવાનું કહ્યું તો એ બાળકોને એમના માબાપે આ કાર્ય કરવાનું કહ્યું હોવાની ખબર પડતાં આખરે મેં એમના માબાપને બાળકોના ભણતરથી એમનું ભવિષ્ય ઉજ્જવળ થશે એવું ઊંડાણપૂર્વક સમજાવતા હવે તમામ આ ઝૂંપટપટ્ટીના બાળકો કચરો વીણવાનું બંધ કરીને સારી રીતે શિક્ષણ મેળવતા થઈ ગયા છે.

મોરબીના શિક્ષિત મહિલાનો પરિવાર, નોકરીની સાથે ઝૂંપટપટ્ટીના બાળકોને વિદ્યાદાન આપવાનો કપરો સંઘર્ષ

રવાપર ઘુનડા રોડની મોટી ઝૂંપટપટ્ટીના બાળકોને પણ આપશે વિદ્યાદાન

મીનાક્ષીબેને શિક્ષણ સેવાના વ્યાપને આગળ  વધારવાની નેમ વ્યક્ત કરી છે. તેમણે શહેરમાં આવેલી અલગ અલગ તમામ ઝૂંપટપટ્ટીઓની મુલાકાત લઈને બાળકોની માહિતી મેળવી છે. જેમાં એકેય ઝૂંપટપટ્ટીના બાળકો ભણતા ન હોવાની ચોંકાવનારી ગંભીર હકીકત સામે આવી છે. આવી રીતે ક્યાંથી ભણશે ગુજરાત ? અને ભારતનું ભવિષ્ય અંધકારમય બની જશે એવા વિચારથી ધ્રુજી ઉઠેલા આ મહિલા શહેરની સૌથી મોટી રવાપર ઘુનડા રોડની ઝૂંપટપટ્ટીના મોટા પ્રમાણમાં રહેતા બાળકોને પણ આગામી થોડા દિવસોમાં દર શનિ રવિએ બે કલાક વિદ્યાદાન આપશે
 

મોરબીના શિક્ષિત મહિલાનો પરિવાર, નોકરીની સાથે ઝૂંપટપટ્ટીના બાળકોને વિદ્યાદાન આપવાનો કપરો સંઘર્ષ

આઠેક બાળકો સૌથી વધુ હોશિયાર

મીનાક્ષીબેન ઉમેરે છે કે, 20 બાળકોને ભણાવે છે. તેમાંથી 8 બાળકો ખાનગી શાળા ભણતા હોય એટલા જ તેજસ્વી છે. હું જે કઈ ભણાવું તે તુરત જ એ આઠેય બાળકો મગજમાં ગ્રહણ કરી લે છે. એવી એમની તેજસ્વી ગ્રહણ શક્તિ છે. જો આ બાળકોને કોઈ સારી સ્કૂલમાં ભણવા બેસાડવામાં આવે તો એ ભણવા વધુ તેજસ્વી બનીને ઉભરી આવે એમ છે. આથી આ બાળકો સારી સ્કૂલમાં ભણતા થાય તેવા હાલ મારી રીતે તમામ બનતા પ્રયાસો કરું છું.

મોરબીના શિક્ષિત મહિલાનો પરિવાર, નોકરીની સાથે ઝૂંપટપટ્ટીના બાળકોને વિદ્યાદાન આપવાનો કપરો સંઘર્ષ

બાળકોનું ભવિષ્ય સુધારવું હોય મોરબી મૂકીને ક્યાંય નહીં જઈએ

આ બાળકોને શિક્ષિત મહિલાએ થોડા સમયમાં એટલા સક્ષમ કરી દીધા છે કે, બાળકો ધ્યાનથી ભણવાની સાથે સ્વંય શિસ્તના પાઠ પણ શીખી ગયા છે. જેમ કે, ઝૂંપટપટ્ટીમાં અનેક લોકો નાસ્તો, જમવાનું સહિતની વસ્તુઓ આપી જાય છે. પણ આ બાળકો પાસે બે ત્રણ ખાવાની વસ્તુઓ આવે તો વધારાની વસ્તુઓ જ્યાં ત્યાં ફેંકી દેતા હોવથી અન્નનો બગાડ થતો હતો.પણ તેઓએ બાળકોને શિસ્તના એવા પાઠ ભણાવ્યા કે આજે તેમને વધારાની ખાવાની વસ્તુઓ મળે તો અન્ય જરૂરતમંદોને આપી દે છે. આથી એ બલકોના માબાપ કહે છે, હવે અમે અમારા બાળકોને ભણાવવા માટે તૈયાર છીએ, એટલે  અમારા બાળકોની જિંદગી બનાવી દો તો અમારા પર મોટી કૃપા થઈ ગણાશે. એટલે કદાચ અહીંથી તંત્ર હટાવી દે તો અન્ય જગ્યાએ એટલે મોરબીમાં રહીશું. બાળકો જો સ્કૂલમાં ભણતા થાય તો મોરબી મૂકીને ક્યાંય નહીં જઈએ તેવું આ બાળકોના માતાપિતાએ મહિલાને જણાવ્યું છે.