મોરબી : હિન્દુ સનાતન ધર્મમાં શ્રાવણ માસને પવિત્ર અને ધાર્મિક દૃષ્ટિએ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. શ્રાવણ માસ સાથે જ તહેવારોની સિઝનનો પ્રારંભ થઈ ચૂક્યો છે ત્યારે ભાઈ-બહેનના પવિત્ર પ્રેમ, વિશ્વાસ અને રક્ષણના પ્રતિક સમાન રક્ષાબંધન પર્વની ઉજવણીને લઈને લોકોમાં તારીખ અને મુહૂર્ત અંગે થોડી અસમંજસ જોવા મળી રહી છે. ત્યારે મોરબીના પ્રખર વિદ્વાન અને જાણીતા જ્યોતિષ આચાર્ય ભાગવતાચાર્ય શાસ્ત્રીજી શ્રી કૃષ્ણચંદ્ર દિલીપભાઈ દવેના જણાવ્યા મુજબ આ વર્ષે રક્ષાબંધન પર્વ ૨૮ ઓગસ્ટ, શુક્રવારના રોજ ઉજવવામાં આવશે અને આ દિવસે ભદ્રાનો ઓછાયો પણ નડશે નહીં.
૨૭મીએ સવારે પૂર્ણિમા શરૂ, ૨૮મીએ રક્ષાબંધન
શાસ્ત્રીજીના જણાવ્યા મુજબ ૨૭ ઓગસ્ટ, ગુરુવારે સવારે ૯:૦૯ વાગ્યાથી પૂર્ણિમા તિથિનો પ્રારંભ થશે અને ૨૮ ઓગસ્ટ, શુક્રવારે સવારે ૯:૪૯ વાગ્યે પૂર્ણિમા તિથિ પૂર્ણ થશે. સૂર્યોદય સમયે જે તિથિ હોય તેને આધારે પર્વની ગણતરી કરવામાં આવતી હોવાથી ૨૮ ઓગસ્ટ, શુક્રવારના રોજ રક્ષાબંધન એટલે કે બળેવ પર્વ ઉજવવામાં આવશે.
૨૭ ઓગસ્ટના રોજ વ્રતની પૂનમ તથા નાળિયેરી પૂનમ રહેશે, જ્યારે ૨૮ ઓગસ્ટના રોજ રક્ષાબંધન ઉપરાંત ઋષિતર્પણ સહિતના ધાર્મિક પ્રસંગો ઉજવવામાં આવશે.
સવારે ૯:૪૯ સુધી રાખડી બાંધી શકાશે
૨૮ ઓગસ્ટના રોજ પૂર્ણિમા તિથિ સવારે ૯:૪૯ વાગ્યા સુધી હોવાથી તે દિવસે સૂર્યોદયથી સવારે ૯:૪૯ વાગ્યા સુધી ભાઈને રાખડી બાંધવાનું શાસ્ત્રોક્ત રીતે ગણી શકાય છે. ખાસ કરીને સવારે ૬:૨૮થી ૯:૪૮ વાગ્યા સુધીનો સમય રાખડી બાંધવા માટે શુભ હોવાનું શાસ્ત્રીજી દ્વારા જણાવાયું છે.
ભદ્રાનો પણ નહીં રહે અવરોધ
રક્ષાબંધનના મુહૂર્તને લઈને ભદ્રાને કારણે લોકોમાં રહેતી અસમંજસ અંગે શાસ્ત્રીજી જણાવે છે કે આ વર્ષે ૨૮ ઓગસ્ટે ભદ્રાનો કોઈ અવરોધ નથી. ભદ્રા ૨૭ ઓગસ્ટ, ગુરુવારની રાત્રે ૯:૩૩ વાગ્યે જ પૂર્ણ થઈ જાય છે, તેથી બીજા દિવસે એટલે કે ૨૮ ઓગસ્ટે રક્ષાબંધન પર્વની ઉજવણી વખતે ભદ્રાનું ગ્રહણ નડશે નહીં.
આ ઉપરાંત આ સમયગાળામાં આવનાર ચંદ્રગ્રહણ ભારતમાં દેખાવાનું નથી, તેથી તેનું ધાર્મિક રીતે પાળવાનું રહેતું નથી.
ભાઈ-બહેનના પવિત્ર સંબંધનો તહેવાર
રક્ષાબંધન ભાઈ-બહેનના પવિત્ર સંબંધ, પ્રેમ, વિશ્વાસ અને રક્ષણની ભાવનાને ઉજાગર કરતો તહેવાર છે. શ્રાવણ માસની શુક્લ પક્ષની પૂર્ણિમાએ આ પર્વ ઉજવવાની પરંપરા છે. આ દિવસે બહેન ભાઈના કાંડે રક્ષાસૂત્ર બાંધી તેની લાંબી આયુ, સારા સ્વાસ્થ્ય અને સુખ-સમૃદ્ધિની પ્રાર્થના કરે છે, જ્યારે ભાઈ જીવનભર બહેનની રક્ષા કરવાનો સંકલ્પ લે છે.
ધાર્મિક માન્યતા મુજબ સૌપ્રથમ માતા લક્ષ્મીએ રાજા બલિને રાખડી બાંધી હતી અને તેના પરિણામે ભગવાન વિષ્ણુને પાતાળ લોકમાંથી વૈકુંઠ પરત જવાનો માર્ગ મળ્યો હતો. આ ઉપરાંત મહાભારતકાળમાં દ્રૌપદીએ ભગવાન શ્રીકૃષ્ણને રાખડી બાંધી હોવાની પણ ધાર્મિક માન્યતા છે. આ પ્રાચીન પરંપરા આજે પણ ભાઈ-બહેનના સ્નેહ અને રક્ષણના પ્રતિક તરીકે જળવાઈ રહી છે.
રાખડી બાંધતી વખતે આ મંત્ર બોલવાની પરંપરા
રક્ષાબંધનના દિવસે ભાઈના કાંડે રક્ષાસૂત્ર બાંધતી વખતે પરંપરાગત રીતે નીચેનો મંત્ર બોલવામાં આવે છે—
“येन बद्धो बलिराजा दानवेन्द्रो महाबलः ।
तेन त्वामपि बध्नामि रक्षे मा चल मा चल ॥”
અર્થ : જે રક્ષાસૂત્રથી મહાબળવાન દાનવેન્દ્ર રાજા બલિ બંધાયા હતા, તે જ રક્ષાસૂત્રથી હું તમને બાંધું છું. હે રક્ષાસૂત્ર! તમે હંમેશા રક્ષણ કરજો અને તમારા સંકલ્પથી વિચલિત ન થશો.
ભાગવતાચાર્ય શાસ્ત્રીજી શ્રી કૃષ્ણચંદ્ર દિલીપભાઈ દવે
(સંસ્કૃત વિશારદ, જ્યોતિષ રત્નમ, વાસ્તુ માર્ગદર્શક)
મો. ૮૦૦૦૯૧૧૪૪૪