Wednesday - Aug 19, 2026

ટંકારા નજીક પાછળથી ટ્રકે બાઇકને ટક્કર માર્યા બાદ નીચે પટકાયેલા વૃદ્ધ ટ્રક હેઠળ કચડાયા

ટંકારા નજીક પાછળથી ટ્રકે બાઇકને ટક્કર માર્યા બાદ નીચે પટકાયેલા વૃદ્ધ ટ્રક હેઠળ કચડાયા

અકસ્મતનો સીસીટીવી વીડિયો વાયરલ : ગત તા.17ના રોજ સવારના સમયે બનેલા બનાવમાં ટંકારા પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી

મોરબી : ટંકારા તાલુકાના નેકનામ-પડધરી રોડ પર ગત તા.17ના રોજ સવારના સમયે ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં મોટરસાઇકલ પર પસાર થઈ રહેલા વૃદ્ધને પાછળથી ટ્રકના ચાલકે ઠોકર મારતા તેઓ રસ્તા પર પટકાયા હતા અને ત્યારબાદ ટ્રકના ટાયર નીચે આવી જતા ઘટનાસ્થળે જ તેમનું મોત નીપજ્યું હતું. સમગ્ર અકસ્માતનો સીસીટીવી વીડિયો પણ સામે આવ્યો છે અને સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

પ્રાપ્ત વિગતો મુજબ ટંકારા તાલુકાના નેકનામ-પડધરી રોડ પરથી વાલજીભાઈ ડાયાભાઈ ભોરણીયા પોતાની મોટરસાઇકલ લઈને પસાર થઈ રહ્યા હતા. દરમિયાન પાછળથી પૂરપાટ ઝડપે આવી રહેલા ટ્રકના ચાલકે તેમની મોટરસાઇકલને ઠોકર મારતા વાલજીભાઈ રસ્તા પર નીચે પટકાયા હતા.અકસ્માતની ઇજાની કળ વળે એ પહેલાં જમીન પર પટકાયેલા વૃદ્ધ પર ટ્રકના ટાયર ફરી વળતા તેમને ગંભીર ઇજાઓ પહોંચી હતી અને તેમનું મોત નીપજ્યું હતું. અકસ્માતની સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. આ સીસીટીવી વીડિયો હાલ વાયરલ થતાં અકસ્માતની ગંભીરતા સામે આવી છે. આ બનાવ અંગે ટંકારા પોલીસે ફરિયાદ નોંધી અકસ્માત સર્જનાર ટ્રકના ચાલક સામે કાર્યવાહી સહિતની દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.