મોરબી : હળવદના નામચીન શખ્સે મોરબીના ધારાસભ્યના વતન એવા જેતપર ગામમાં અન્યની ઉઘરાણીનો હવાલો લઈ યુવક પાસેથી બળજબરીથી કાર, રોકડ અને મોબાઈલ સહિતની વસ્તુની લૂંટ ચલાવતા બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.
મોરબી તાલુકાના જેતપર ગામે રહેતા જયકુમાર સુરેશભાઈ અમૃતિયાએ આરોપી પંકજ ચમન ગોઠી રહે.હળવદ તેમજ અન્ય બે અજાણ્યા માણસો વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, ગત તા.14ના રોજ ફરિયાદી પોતાના ઘેર જતા રાત્રીના સમયે આરોપી પંકજ ચમન ગોઠી તેમના ઘેર માતા અને ભાઈ સાથે ઝઘડો કરતો હતો.જેથી પોતે ત્યાં પહોંચતા આરોપી પંકજે કહ્યું હતું કે તું કેમ આશિષ વસરામભાઈ ચડમિયા રહે.રવાપર રોડ, મોરબી વાળાના પૈસા આપતો નથી ? તેમ કહી ઝઘડો કર્યો હતો અને બાદમાં આરોપી પંકજે ફરિયાદી જયકુમારના ખિસ્સામાંથી મારુતિ ફ્રોન્ક્સ કારની ચાવી પડાવી લઈ હવે આ કાર અમારી કહી કાર, કારમાં પડેલા રૂ.50 હજાર તેમજ ત્રણ મોબાઈલ સહિત 6,04,000ની લૂંટ ચલાવી હતી. આ ચકચારી બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.