મોરબી: મહિલાઓનું સ્વાસ્થ્ય અને સશક્તિકરણ આપણા પરિવારો, સમુદાયો અને સમગ્ર રાષ્ટ્રની પ્રગતિ માટે કેન્દ્ર સ્થાને છે. આ સંદર્ભમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા તા. ૧૯ સપ્ટેમ્બરથી ૨ ઓક્ટોબર ૨૦૨૪ દરમિયાન 'સ્વસ્થ નારી, સશક્ત પરિવાર અભિયાન' નામનું આરોગ્ય અભિયાન હાથ ધરવામાં આવનાર છે.
આ અભિયાનના ભાગરૂપે મોરબી જિલ્લામાં આરોગ્ય શિબિરોનું આયોજન કરવામાં આવ્યું છે,
જેમાં મહિલાઓને નિષ્ણાત સેવાઓ સહિત વિવિધ આરોગ્ય સેવાઓ પૂરી પાડવામાં આવશે.
આ શિબિરનું આયોજન મોરબી જિલ્લાના ૧૭૭ આયુષ્માન આરોગ્ય મંદિર, ૩૦ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, ૫ સામૂહિક આરોગ્ય કેન્દ્ર, ૪૬ શહેરી આરોગ્ય કેન્દ્ર ખાતે કરવામાં આવ્યું છે. આ પખવાડિયા દરમિયાન શિબિર ખાતે હાયપરટેન્શન અને ડાયાબીટીશ માટે સ્ક્રીનીંગ, મુખ કેન્સર, સ્તન કેન્સર અને સર્વાઇકલ કેન્સર માટે સ્ક્રીનીંગ, કિશોરીઓ અને મહિલાઓ માટે એનીમિયા સ્ક્રીનીંગ અને કાઉન્સિલીંગ, મહિલાઓ માટે ટી.બી. સ્ક્રીનીંગ, સિકલસેલ રોગ સ્ક્રીનીંગ સહિતની મુખ્ય પ્રવૃત્તિ કરવામાં આવશે.
આ સાથે મેડીકલ કોલેજ, જિલ્લા હોસ્પિટલ, CHC, PHCના ડોક્ટર તેમજ સ્ત્રી રોગ નિષ્ણાત, આંખના નિષ્ણાત, ENT નિષ્ણાત, ક્યુગ નિષ્ણાત, બાળરોગ નિષ્ણાત, ફિઝિયોથેરાપી, મનોચિકિત્સક, ડેન્ટલ સર્જન વગેરેની સેવાઓ મળશે. માતૃત્વ અને બાળ સંભાળ અન્વયે પ્રસુતિ પહેલાની સંભાળ (ANC) તપાસ, કાઉન્સિલીંગ અને મમતા કાર્ડ, તરુણ બાળકો માટે રસીકરણ સેવાઓ, જાગૃતિ અને જીવન શૈલી બદલાવ અંતર્ગત કિશોરીઓ સહિત મહિલાઓ માટે માસિક સ્ત્રાવ સ્વચ્છતા અને પોષણ તથા રસોઈમાં તેલનો વપરાશ ૫૦% ઘટાડવા માટે ચર્ચા કરવામાં આવશે.
આ અભિયાન દરમિયાન ટીબીના દર્દીઓને દત્તક લેવા માટે ટીબી મુક્ત ભારતના ધ્યેયને પ્રાપ્ત કરવા માટે પોષણ કીટ પણ પૂરી પાડવામાં આવશે. આરોગ્ય, મહિલા અને બાળ વિકાસ, શિક્ષણ, ઉચ્ચ શિક્ષણ, યુવા સંગઠન, પંચાયતી રાજ સંસ્થાઓ, ગ્રામીણ વિકાસ વગેરે વિભાગો વચ્ચે સંકલન કરી શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. ૧૯ સપ્ટેમ્બરથી ૨ ઓક્ટોબર ૨૦૨૪ દરમિયાન ‘સ્વસ્થ નારી, સશક્ત પરિવાર અભિયાન’ અન્વયે મોરબી જિલ્લાના લોકોને આ શિબિરમાં મળી રહેલી વિવિધ આરોગ્ય સેવાઓનો લાભ લેવા માટે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા અપીલ કરવામાં આવી છે.