બંધ રહેલી બોલેરો કોઈ કારણોસર અચાનક મેળે મેળે ચાલવા લાગતા તેની ટકકરથી દીવાલ પડતા આ કરુણ ઘટના સર્જાઈ
મોરબી : મોરબીના લાલપર ગામે વિચિત્ર બનાવ સામે આવ્યો છે. લાલપર ગામે ધાર વિસ્તારમાં ફળિયામાં પડેલી બોલેરો ગાડી અચાનક ચાલવા લાગ્યા બાદ દીવાલ સાથે અથડાતા મામાના ઘેર આવેલ સાત વર્ષની માસૂમ બાળકી ઉપર દીવાલ ધસી પડતા બાળકીનું કરુંણ મૃત્યુ નીપજ્યું હતું.
મોરબી તાલુકાના લાલપર ગામે ધાર વિસ્તારમાં રહેતા મુનાભાઈ લક્ષ્મણભાઈના ફળિયામાં બંધ પડેલી જીજે - 03 - એઝેડ - 9302 નંબરની બોલેરો ગાડી ગત તા.26ના રોજ સાંજના સમયે અચાનક રળવા લાગી હતી અને દીવાલ સાથે અથડાઈ હતી. બરાબર આજ સમયે મામાના ઘેર આવેલ મહેકબેન મનોજભાઈ કૈડ ઉ.વ.7 રહે.લીલાપર ગામ, ગરુદેવ સોસાયટી નામની બાળકી ફળિયામાં રમતી હોય ધસી પડેલી દીવાલ મહેકબેન ઉપર પડતા શરીરે તેમજ માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા મોત નીપજ્યું હતું. આ દુર્ઘટના અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.