ઢોર ચરાવવા ગયેલા ગેલાભાઈ ડેરીયારીના નાલા પાસે પાણીના પ્રવાહમાં તણાયા બાદ તરવૈયાઓએ મૃતદેહ બહાર કાઢ્યો
મોરબી : માળિયા તાલુકાના જુના ઘાંટીલા ગામે ભારે વરસાદ વચ્ચે દુઃખદ બનાવ બન્યો હતો. ઢોર ચરાવવા ગયેલા પશુપાલકનું ડેરીયારીના નાલા નજીક ધસમસતા પાણીના પ્રવાહમાં તણાઈ જવાથી મૃત્યુ થયું હતું. આ પશુપાલક ડેરીયારીના નાલા પાસે પાણીના પ્રવાહમાં તણાયા બાદ તરવૈયાઓએ મૃતદેહ બહાર કાઢ્યો હતો.
માળીયાના જુના ઘાંટીલા ગ્રામ પંચાયતના પ્રાથમિક અહેવાલ મુજબ ગેલાભાઈ નોંધાભાઈ આજે સાંજે ઢોર ચરાવવા માટે ગયા હતા. આ દરમિયાન ડેરીયારીના નાલા પાસે પાણીના પ્રવાહમાં તેઓ તણાઈ ગયા હતા. પાણીમાં ગરકાવ થઈ જતાં તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવની જાણ થતાં આસપાસના લોકો સ્થળ પર દોડી આવ્યા હતા. ત્યારબાદ સ્થાનિક તરવૈયાઓની મદદથી પાણીમાં શોધખોળ હાથ ધરવામાં આવી હતી. ભારે જહેમત બાદ ગેલાભાઈનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો. આ બનાવ અંગે જુના ઘાંટીલા ગ્રામ પંચાયત દ્વારા માળિયા તાલુકા વિકાસ અધિકારી તથા મામલતદારને પ્રાથમિક અહેવાલ મોકલવામાં આવ્યો છે. પશુપાલકના અચાનક મોતથી પરિવારજનો સહિત સમગ્ર પંથકમાં શોકની લાગણી પ્રસરી છે.