નગર દરવાજા જેવા ભીડભાડવાળા વિસ્તારમાં રડતો હાલતમાં 3 વર્ષની બાળા મળી આવ્યા બાદ ટ્રાફિક પોલીસે તેના પરિવારને શોધી કાઢી બાળાને સહી સલામત રીતે સોંપી દીધી
મોરબી : મોરબીના નગર દરવાજા પાસે આજે એક 3 વર્ષની માસૂમ બાળકી ભૂલી પડેલી હાલતમાં મળી આવી હતી. બાળકી વાલી-વારસ વગરની જણાતા ટ્રાફિક પોલીસ દ્વારા ત્વરિત કાર્યવાહી હાથ ધરીને ગણતરીના સમયમાં જ બાળકીને તેના માતા-પિતા સાથે હેમખેમ મિલન કરાવવામાં આવ્યું હતું.
નગર દરવાજા ખાતે ફરજ બજાવતા ટ્રાફિક પોલીસ સ્ટાફને 3 વર્ષની બાળકી રડતી હાલતમાં મળી આવી હતી. આ અંગે ટ્રાફિક પોલીસ ઇન્સ્પેક્ટરને જાણ કરવામાં આવતા, તેમની સૂચના મુજબ સ્ટાફના કર્મચારીઓએ બાળકીના વાલી-વારસોની શોધખોળ માટે આસપાસના વિસ્તારમાં તપાસ શરૂ કરી હતી..પોલીસની ટીમ દ્વારા નગર દરવાજા અને તેની આજુબાજુના વિસ્તારમાં સઘન તપાસ કરવામાં આવી રહી હતી, ત્યારે રવાપર ચોકડી નજીક એક નેપાળી દંપતી ગભરાયેલી હાલતમાં તેમની દીકરીને શોધતું હોવાનું જાણવા મળ્યું હતું. સ્ટાફ દ્વારા તુરંત જ આ દંપતીનો સંપર્ક કરી, તેમને તેમની દીકરી નગર દરવાજા ટ્રાફિક પોલીસ ચોકી ખાતે સુરક્ષિત હોવાની જાણ કરવામાં આવી હતી. ચોકી પર પહોંચીને પોતાની વ્હાલસોયી દીકરીને હેમખેમ જોઈને માતા-પિતાની આંખોમાં ખુશીના આંસુ છલકાઈ આવ્યા હતા અને આ માનવતાવાદી અને સરાહનીય કામગીરી ટ્રાફિક પોલીસ ઇન્સ્પેક્ટરના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. ડી બી ઠક્કર, કોન્સ્ટેબલ દેવાયતભાઈ, ભાનુભાઈ, સાલેમામદભાઈ તેમજ ટ્રાફિક બ્રિગેડના ફારુકભાઈ, નીતિનભાઈ તેમજ મેહુલભાઈએ કરી હતી.