Saturday - May 02, 2026

મોરબીમાં રબારી સમાજના પ્રસંગોમાં વધુ પૈસાની લેતી દેતી કરનારને 500થી 1 લાખનો દંડ કરાશે

મોરબીમાં રબારી સમાજના પ્રસંગોમાં વધુ પૈસાની લેતી દેતી કરનારને 500થી 1 લાખનો દંડ કરાશે

મચ્છુકાંઠા રબારી સમાજના મહાસંમેલનમાં સગાઈ, લગ્ન અને મરણ પ્રસંગોમાં કુરિવાજોને તિલાંજલિ આપી કડક નિયમો સાથેનું સામાજિક બંધારણ અમલમાં મુકાયું

ભાસ્કર ન્યુઝ મોરબી : મોરબીના મચ્છુકાંઠા રબારી સમાજ દ્વારા વર્ષોથી ચાલી આવતા પરંપરાગત લગ્ન, સગાઈ, મૃત્યુ જેવા પ્રસંગોમાં સામાજિક વિકાસને અવરોધતા કુરિવાજો અને જૂની રૂઢિઓને તિલાંજલિ આપવા પ્રેરણાદાયી પહેલ કરવામાં આવી છે. ખાસ કરી સમાજના દીકરા દીકરીના સગાઈ અને લગ્ન સામાજિક પ્રસંગોમાં પૈસાની લેતી દેતી અને ઘરેણાં આપવા સહિતના લખ લૂંટ ખર્ચ એક જાતની દહેજ કૃપ્રથા હોવાથી આવા કૃપ્રથાને નાબૂદ કરવા મચ્છુકાંઠાના તમામ ગામોમાં નેહડે નેહડે જઈને સમરસ યુવા સંગઠનની ટીમેં મોટી સંખ્યામાં મિટિંગો યોજી જાગૃતિ લાવી અને સમાજ પાસેથી લીધેલા સૂચનોને ધ્યાનમાં રાખીને વડીલો અને આગેવાનો સાથે ચર્ચા વિચારણા કર્યા બાદ સર્વ સ્વીકૃતિ અને સહમતીથી આજે રબારી સમાજના યોજાયેલા મહાસમેલનમાં સંતો મહતો અને સમાજના અગ્રણીઓની હાજરીમાં કુરિવાજોને તિલાંજલિ આપી નવી પેઢી પ્રગતિ કરી શકે તેવું સગાઈ, લગ્ન અને મરણ પ્રસંગોમાં ખોટા ખર્ચા ટાળવા કડક નિયમો સાથેનું સામાજિક બંધારણ અમલમાં મુકાયું છે. આ નવા નિયમોનો ભંગ કરનાર સામે આકરા દંડની જોગવાઈ કરવામાં આવી છે અને આ દંડની રકમમાંથી સામાજિક કાર્યો કરવામાં આવશે.
 

મોરબીમાં રબારી સમાજના પ્રસંગોમાં વધુ પૈસાની લેતી દેતી કરનારને 500થી 1 લાખનો દંડ કરાશે

દરેક પ્રસંગોના નિયમો અને દંડની  જોગવાઈ

દીકરા કે દીકરીની સગાઈ કરતી વખતે લેતી-દેતીની પ્રથામાં રોકડ રકમ વધુમાં વધુ 3 લાખ અને ઘરેણું વધુમાં વધુ 7 તોલા લઈ શકાશે. જો 3 લાખથી વધારે રૂપિયા લીધા હશે તો તે તમામ રૂપિયા નાતના સામાજિક કાર્યમાં આપવાના અને ત્યારબાદ બંને પક્ષને 1-1 લાખનો દંડ કરાશે.

* સગાઈ પછી જલના પ્રસંગમાં વધુમાં વધુ 500 રૂપિયા જ આપવા. અન્ય હરખ પ્રથા સંપૂર્ણપણે બંધ, જેમાં કપડા, સોના ચાંદીના દાગીના કે અન્ય કોઈપણ વસ્તુઓ આપવી નહીં. અને જલ પછી કપડાં લઈને જાય ત્યારે માત્ર 3 જોડી કપડા, સાંકળાં અને દાણો જ આપવો, અન્ય કંઈપણ વસ્તુઓ આપવી નહીં. આ બંને નિયમોમાં જણાવેલ વસ્તુઓથી વધારે કંઈપણ આપવામાં આવશે તો બંને પક્ષને 11,000 રૂપિયાનો દંડ કરાશે

* ચુંદડીના પ્રસંગમાં શુકન રૂપે માત્ર 3 જોડી કપડા, સાંકળાં અને દાણો જ આપવો. બૂટી ઉપર પ્રતિબંધ નથી પરંતુ આર્થિક અનુકૂળતા હોય તો જ આપવી. જો આ વસ્તુઓથી વધારે કંઈપણ અપાશે તો બંને પક્ષને 21,000 રૂપિયા દંડ કરાશે

* લગ્ન લખે ત્યારે દીકરી પક્ષેથી વધુમાં વધુ 7 વ્યક્તિઓને જ જવું. દિકરા પક્ષે અન્ય સગા વહાલાને તેડાવવાં નહીં તેમજ નેહડાનો જમણવાર માત્ર ભાયુ કુટુંબ કે સગાવ્હાલા પૂરતો જ રાખવો, આ નિયમ ભંગ કરનાર પક્ષે 11,000 રૂપિયા દંડ ચૂકવવાનો રહેશે.

* લગ્નમાં છાબની ખરીદી માટે વધુમાં વધુ 51,000 રોકડા આપવા, નિયમ ભંગ બદલ બંને પક્ષોને અલગ અલગ 50,000 રૂપિયા દંડ કરાશે

* લગ્નના મામેરામાં સગા મામા મામીને જ પહેરામણી કરવી. દેરાણી જેઠાણીના મામેરા સદંતર બંધ કરવા અને વળતર પ્રથા ઉપર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. નિયમ ભંગ બદલ મામેરીયા અને ઘરધણી બંને પક્ષે 11,000 રૂપિયા દંડ કરાશે.

* માતાજીના માંડવામાં વ્યવહાર પ્રથા સદંતર બંધ કરી જો આયોજક વ્યહવાર લેશે તો તેને 51,000 રૂપિયા દંડ કરાશે.

* વાસ્તુ પૂજન અને હવન સહિતના નાના પ્રસંગોમાં માત્ર સાસરીયાનો જ વ્યહવાર લેવો, અન્ય કોઈપણ સગા વ્હાલાઓનો વેવાર લેવો નહીં. સાસરીયા સિવાય કોઈનો પણ વ્યહવાર લેવા પર 11,000 રૂપિયા દંડ કરાશે.

મરણ પ્રસંગના નિયમો

* મરણ પ્રસંગે લૌકિક વાર 3 જ રાખવા અને પાણી ઢોર પછી કોઈએ લૌકિકે જવું નહીં.

* મરણ પ્રસંગે મહિલાઓને કોટ કાણ કરવા પર સદંતર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

* દાડામાં બને ત્યાં સુધી સાદું ભોજન રાખવાનો આગ્રહ રાખવો.

* શ્રાદ્ધ તેમજ રખ પાંચમની વિધિમાં કુટુંબ અને બહેન દિકરીઓ સિવાય અન્ય કોઈ સગા વહાલાને તેડાવવાં નહી.