સનાળા બાયપાસની શાળા ટ્રાફિક અવરનેશ કાર્યક્રમમાં સગીર વયે વાહન ચલાવવાના કાયદા અને વાલીઓની જવાબદારી અંગે અપાઈ સમજણ
મોરબી : મોરબીમાં ટ્રાફિક પોલીસ દ્વારા શહેરમાં ટ્રાફિક નિયમો અંગે જનજાગૃતિ લાવવાના હેતુથી સનાળા બાયપાસ ખાતે આવેલી માસુમ વિદ્યાલયમાં ટ્રાફિક જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. જિલ્લા શિક્ષણ શાખાના સહયોગથી યોજાયેલા કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા શપથ લેવડાવવામાં આવ્યા હતા તેમજ માર્ગ સુરક્ષા અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.
મોરબી જિલ્લા પોલીસ વડા મુકેશકુમાર પટેલના માર્ગદર્શન હેઠળ યોજાયેલા ટ્રાફિક અવરનેશમાં આર.ટી.ઓ. શાખા, એસઓજી શાખા અને 108 એમ્બ્યુલન્સની ટીમ દ્વારા વિદ્યાર્થીઓને ટ્રાફિકના નિયમો, ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવાની પ્રક્રિયા, રાહવીર યોજનાનો લાભ તેમજ નશાકારક દ્રવ્યોના વ્યસનથી દૂર રહેવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ઉપરાંત ટ્રાફિક પોલીસ દ્વારા વિદ્યાર્થીઓને માર્ગ સલામતીના નિયમોનું પાલન કરવાની પ્રતિજ્ઞા લેવડાવામાં આવી હતી. તેમજ ટ્રાફિક નિયમોની જાણકારીના પેમ્ફલેટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
ટ્રાફિક પીએસઆઇ ઠાકરે ખાસ ભારપૂર્વક જણાવ્યું હતું કે આજના વિદ્યાર્થીઓ આવતીકાલના વાહનચાલકો છે. ત્યારે આ સગીર વયના વિદ્યાર્થીઓને વાહન ચલાવવાના ટ્રાફિકના નિયમોની વિસ્તૃત સમજણ આપી બાળકોને વાહનો ચાલવા આપવા મામલે વાલીઓની જવાબદારીની સમજણ પણ આપી હતી. અંતે 108ની ટીમ દ્વારા એમ્બ્યુલન્સમાં ઉપલબ્ધ જીવનરક્ષક સાધનોનું પ્રદર્શન કરી તેના ઉપયોગ અંગે વિદ્યાર્થીઓને માહિતી આપવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમથી વિદ્યાર્થીઓમાં માર્ગ સુરક્ષા અંગે જાગૃતિનો સંદેશ પહોંચ્યો હતો.