Wednesday - Jul 29, 2026

વાંકાનેરના સુપ્રસિદ્ધ જડેશ્વર મહાદેવ મંદિરે પ્રથમવાર યોજાશે ત્રીદિવસય સૌરાષ્ટ્રનો પરંપરાગત ભાતીગળ લોકમેળો

વાંકાનેરના સુપ્રસિદ્ધ જડેશ્વર મહાદેવ મંદિરે પ્રથમવાર યોજાશે ત્રીદિવસય સૌરાષ્ટ્રનો પરંપરાગત ભાતીગળ લોકમેળો

22 થી 24 ઓગસ્ટ દરમિયાન ત્રણ દિવસ સુધી લોકમેળામાં સૌરાષ્ટ્રની ભવ્ય સાંસ્કૃતિક વિરાસતની ઝલક પ્રસ્તુત થશે

મોરબી : વાંકાનેર નજીક આવેલા સ્વયંભૂ જડેશ્વર મહાદેવ મંદિરે વર્ષોથી દર શ્રાવણ માસના બીજા સોમવારે બે દિવસ સુધી પરંપરાગત ભાતીગળ લોકમેળો યોજાતો હોય પણ આ વખતે આગામી શ્રાવણ માસના બીજા સોમવારે સ્વયંભૂ જડેશ્વર મહાદેવ મંદિરે લગાતાર ત્રણ દિવસ સુધી સૌરાષ્ટ્રની પરંપરાગત સાંસ્કૃતિક વીરાસતની ઝલક દર્શાવતો લોકમેળો ભરાશે. જેમાં આગામી 22, 23 અને 24 ઓગસ્ટ દરમિયાન ત્રણ દિવસીય ભવ્ય સાંસ્કૃતિક લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે.  જડેશ્વર મહાદેવ સેવા સમિતિ દ્વારા મેળાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. દર વર્ષે ભક્તિ, આસ્થા અને લોકસંસ્કૃતિના સંગમરૂપે યોજાતો આ મેળો આ વર્ષે પ્રથમ વખત ત્રણ દિવસ સુધી યોજાવાનો હોવાથી ભાવિકોમાં અત્યારથી જ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

સ્વંયભુ જડેશ્વર મહાદેવ દાદાનું ભવ્ય મંદિર ઉંચી ટેકરીઓ ઉપર આવેલું હોય અને ચોમાસા દરમિયાન નેસર્ગીક વાતાવરણ ખીલી ઉઠતું હોવાની વચ્ચે તાજેતરમાં મેઘરાજાએ ભરપૂર મહેર કરતા આ ટેકરીઓ પર લીલીછમ હરિયાળી છવાઈ ગઈ હોવાથી આ વખતે ત્રણ દિવસ સુધી લોકમેળો ભારે રંગત જમાવશે. સૌરાષ્ટ્રભરના હજારો લોકો ઉમટી પડીને આ કલા અને સંસ્કૃતિ તેમજ ભક્તિના અનોખા ત્રિવેણી સંગમ સમાન લોકમેળાની મનભરીને મોજ માણશે. આ લોકમેળા દરમિયાન ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોની રંગત જામશે. ભજન-સંતવાણી, લોકસંગીત, લોકનૃત્ય, ભક્તિમય રજૂઆતો, સાંસ્કૃતિક કાર્યક્રમો તેમજ વિવિધ ધાર્મિક વિધિઓનું આયોજન કરવામાં આવશે. મેળાનું ઉદ્ઘાટન પૂજ્ય સાધુ-સંતો, રાજ્ય સરકારના મંત્રીઓ, ધારાસભ્યો, લોકપ્રતિનિધિઓ તેમજ સામાજિક અને ધાર્મિક અગ્રણીઓના હસ્તે કરવામાં આવશે. આ ઉપરાંત મોટી સંખ્યામાં ભાવિકો, ગ્રામજનો અને વિવિધ વિસ્તારોમાંથી આવતા યાત્રાળુઓ પણ ઉપસ્થિત રહેશે.

શ્રાવણ માસના બીજા સોમવારે ઉજવાતા શ્રી જડેશ્વર મહાદેવના પ્રાગટ્ય દિવસને લઈને મંદિર ખાતે વિશેષ ધાર્મિક માહોલ સર્જાય છે. આ અવસરે સૌરાષ્ટ્ર ઉપરાંત રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી હજારોની સંખ્યામાં ભાવિકો દર્શન અને પૂજન માટે ઉમટી પડે છે. સ્વયંભૂ જડેશ્વર મહાદેવ પ્રત્યે લોકોમાં વિશેષ આસ્થા રહેલી હોવાથી વર્ષો જૂની પરંપરા મુજબ અહીં યોજાતો લોકમેળો સૌરાષ્ટ્રનો પ્રથમ લોકમેળો તરીકે ઓળખાય છે અને ભક્તિ સાથે લોકસંસ્કૃતિનું પણ મહત્વનું કેન્દ્ર બની રહ્યો છે.

અગાઉ પ્રાગટ્ય દિવસ નિમિત્તે બે દિવસીય લોકમેળાનું આયોજન કરવામાં આવતું હતું. પરંતુ આ વર્ષે જન્માષ્ટમી પર્વ સાથે મેળાનું વિશેષ મહત્વ, વધતી જતી ભાવિકોની સંખ્યા અને વિશાળ આયોજનને ધ્યાનમાં રાખીને પ્રથમ વખત મેળાનો સમયગાળો વધારી ત્રણ દિવસનો કરવામાં આવ્યો છે. જેના કારણે વધુ ભાવિકો સરળતાથી મેળાનો લાભ લઈ શકશે અને વિવિધ કાર્યક્રમોમાં ભાગ લઈ શકશે.

મેળા દરમિયાન મંદિર પરિસરમાં વિશેષ શણગાર, આકર્ષક લાઇટિંગ, દર્શન વ્યવસ્થા, પાર્કિંગ, પીવાના પાણી, આરોગ્ય સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે સેવા સમિતિ દ્વારા આયોજન કરવામાં આવી રહ્યું છે. સમગ્ર મેળાને સુચારૂ રીતે સંપન્ન કરવા માટે સ્વયંસેવકોની ટીમ પણ સેવા આપશે.

શ્રી જડેશ્વર મહાદેવ સેવા સમિતિએ સૌ ભાવિકોને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી મહાદેવના દર્શનનો લાભ લેવા તેમજ ત્રણ દિવસીય લોકમેળાના ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોમાં સહભાગી બનવા અપીલ કરી છે.

વાંકાનેરના સુપ્રસિદ્ધ જડેશ્વર મહાદેવ મંદિરે પ્રથમવાર યોજાશે ત્રીદિવસય સૌરાષ્ટ્રનો પરંપરાગત ભાતીગળ લોકમેળો