Wednesday - Jul 15, 2026

મોરબીની સ્કૂલના વાલીઓના વોટ્સએપ હેક કરનાર ભેજાબાજ આખરે ઝડપાયો

મોરબીની સ્કૂલના વાલીઓના વોટ્સએપ હેક કરનાર ભેજાબાજ આખરે ઝડપાયો

વાલી પાસેથી ₹30 હજાર પડાવ્યા, અન્ય પરિચિત પાસે ₹10 લાખની ખંડણી માગી; શહેરની અન્ય સ્કૂલો, ટ્યુશન ક્લાસ અને બ્યુટી પાર્લરના ગ્રુપ પણ બનાવ્યા હતા નિશાન

મોરબી : મોરબીની નાલંદા વિદ્યાલયના વોટ્સએપ ગ્રુપમાં ઘૂસણખોરી કરી વિદ્યાર્થીના વાલીઓને ટાર્ગેટ કરી લાખોનું સાઇબર ફ્રોડ કરનાર સાયબર ભેજાબાજ આખરે કાયદાના સકંજામાં આવ્યો છે. સ્કૂલ સંચાલકના નામે ફોન કરી વાલીનું વોટ્સએપ હેક કર્યા બાદ તેના પરિચિતો પાસેથી રૂપિયા ટ્રાન્સફર કરાવ્યા હતા, જ્યારે અન્ય એક વ્યક્તિને ધમકી આપી ₹10 લાખની ખંડણી માગી હતી. તપાસ દરમિયાન સામે આવ્યું કે આરોપીએ શહેરની અન્ય સ્કૂલો, ટ્યુશન ક્લાસ અને બ્યુટી પાર્લરના વોટ્સએપ ગ્રુપમાં પણ આવી જ રીતે ઘૂસણખોરી કરી લોકોને શિકાર બનાવવાનો પ્રયાસ કર્યો હતો.

ફરિયાદ મુજબ આરોપીએ મોરબીની નાલંદા વિદ્યાલયના સંચાલક તરીકે ઓળખ આપી વિદ્યાર્થીના વાલીને ફોન કર્યો હતો. ઓટીપી મેળવ્યા બાદ વાલીનું વોટ્સએપ પોતાના કબજામાં લઈ લીધું હતું. ત્યારબાદ વોટ્સએપમાં રહેલા સંપર્કોને વિવિધ બહાના બતાવી રૂપિયા મોકલાવવા પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન એક પરિચિત પાસેથી ₹30 હજાર ટ્રાન્સફર કરાવવામાં સફળ રહ્યો હતો, જ્યારે અન્ય એક વ્યક્તિને જાનથી મારી નાખવાની ધમકી આપી ₹10 લાખની ખંડણીની માંગણી કરી હતી. તપાસમાં એ પણ બહાર આવ્યું કે આરોપીએ ઈ-ઝોન સ્કૂલના વાલીઓ ઉપરાંત શહેરના બ્યુટી પાર્લર અને ટ્યુશન ક્લાસના વોટ્સએપ ગ્રુપને પણ નિશાન બનાવ્યા હતા.

મોરબીની સ્કૂલના વાલીઓના વોટ્સએપ હેક કરનાર ભેજાબાજ આખરે ઝડપાયો

તપાસમાં ઝડપાયેલા પ્રિતેશ ઉર્ફે ગોગી મહેશભાઈ પ્રજાપતી લોકોનો વિશ્વાસ જીતવા સ્કૂલ ફી, ઓળખીતા વ્યક્તિ અથવા તાત્કાલિક મદદ જેવા બહાનાંનો ઉપયોગ કરતો હતો. ગુનો આચર્યા બાદ તે ગોવા જતો રહેતો હોવાનું પણ તપાસમાં સામે આવ્યું છે. હાલ કોર્ટના આદેશથી આરોપીને ત્રણ દિવસના રિમાન્ડ પર લઈ તેની પાસેથી અન્ય સાયબર ગુનાઓ અંગે પૂછપરછ ચાલી રહી છે.

□ આરોપીનો ગુનાહિત ઇતિહાસ

પ્રિતેશ ઉર્ફે ગોગી મહેશભાઈ પ્રજાપતી સામે અગાઉ 13 ગુનાઓ નોંધાયેલા છે.

અમરેલી, જૂનાગઢ, નડિયાદ, વલસાડ, તલોદ, રાજકોટ, મોરબી, મહેમદાવાદ, મણિનગર અને નવસારીમાં ગુનાહિત ઇતિહાસ ધરાવે છે.

ઠગાઈ, ગુનાહિત ધમકી, જુગાર અને છેડતી જેવા ગુનાઓમાં સંડોવણી સામે આવી છે.

મોરબી સિટી 'એ' ડિવિઝન પોલીસ મથકે અગાઉ પણ તેની સામે ઠગાઈના બે ગુના નોંધાયેલા છે.

ગુનો આચર્યા બાદ મોટાભાગે ગોવા જતો રહેતો અને ટ્રેનના જનરલ કોચમાં મુસાફરી કરતો હોવાનું તપાસમાં ખુલ્યું છે.