સૌપ્રથમ વખત નૃત્યમય કાર્યક્રમમાં વિધાર્થીઓને પોતાની પ્રતિભા પ્રસ્તુત કરવાનો અવસર મળ્યો
મોરબી : મોરબીમાં સૌપ્રથમવાર કથ્થક નૃત્યને કેન્દ્રમાં રાખીને ભવ્ય નૃત્યમય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ક્લાંગન-કથક ઇન્સ્ટિટ્યૂટ દ્વારા યોજાયેલા ‘નૃત્યમ-2026’ વાર્ષિક સમારોહમાં કથ્થક સહિત વિવિધ ભારતીય શાસ્ત્રીય અને સાંસ્કૃતિક નૃત્ય રજૂઆતથી મંચ જીવંત બની ગયો હતો. કાર્યક્રમમાં તાલ, લય, ભાવ અને અભિનયના સુંદર સમન્વય સાથે કલાકારો તથા વિદ્યાર્થીનીઓએ પોતાની કલાની રજૂઆત કરી હતી. પરંપરાગત કથક નૃત્ય સાથે વિવિધ વિષય આધારિત નૃત્ય રજૂઆતોને પણ દર્શકોનો સારો પ્રતિસાદ મળ્યો હતો.
‘નૃત્યમ-2026’ દરમિયાન વિદ્યાર્થીઓને પોતાની પ્રતિભા રજૂ કરવાની તક મળી હતી. કલાકારોએ પગલાંની તાલબદ્ધતા, હાવભાવ અને અભિનય દ્વારા નૃત્યની વિવિધ શૈલીઓ રજૂ કરી હતી. મંચ પર થયેલી એક પછી એક રજૂઆત દરમિયાન ઉપસ્થિત મહેમાનો અને દર્શકો તાળીઓના ગડગડાટથી કલાકારોનો ઉત્સાહ વધારતા જોવા મળ્યા હતા.
આ વાર્ષિક સમારોહમાં ભારતીય શાસ્ત્રીય નૃત્યની સમૃદ્ધ પરંપરા અને નવી પેઢીની કલાત્મક અભિવ્યક્તિનો સંગમ જોવા મળ્યો હતો. લાંબા સમયથી કરવામાં આવેલી મહેનત બાદ વિદ્યાર્થીઓને મંચ મળતા તેમની રજૂઆતોમાં આત્મવિશ્વાસ પણ જોવા મળ્યો હતો. કથક જેવી શાસ્ત્રીય નૃત્યકળા સાથે વિવિધ સાંસ્કૃતિક નૃત્યોની રજૂઆતથી મોરબીના કલા ક્ષેત્રમાં પણ નવી રંગત જોવા મળી હતી.
ક્લાંગન-કથક ઇન્સ્ટિટ્યૂટ દ્વારા આયોજિત આ પ્રથમ વાર્ષિક સમારોહ વિદ્યાર્થીઓ માટે યાદગાર અનુભવ બન્યો હતો. કાર્યક્રમના અંતે કલાકારોની રજૂઆતોને ઉપસ્થિતોએ વધાવી હતી અને મોરબીમાં શાસ્ત્રીય તથા સાંસ્કૃતિક નૃત્યકળાને વધુ પ્રોત્સાહન મળે તેવી લાગણી વ્યક્ત થઈ હતી.