મોરબીમાં સ્વનિર્ભર શાળા સંચાલકોએ કલેક્ટર-ડી.ઇ.ઓ.ને રજૂઆત કરી શાળાઓનો વહીવટી બોજ ઘટાડી શિક્ષકોને વિદ્યાર્થીઓ માટે વધુ સમય મળે તેવી માગ કરી
મોરબી : શાળાઓમાં શિક્ષણકાર્ય કરતાં વિવિધ વહીવટી અને ઓનલાઈન કામગીરીનો બોજ સતત વધી રહ્યો હોવાના મુદ્દે સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળ દ્વારા રજૂઆત કરવામાં આવી છે. રોજેરોજ આવતા અલગ-અલગ પરિપત્રો અને આશરે 52 પ્રકારની ઓનલાઈન કામગીરીના કારણે શિક્ષકોનો સમય વહીવટી પ્રક્રિયામાં ખર્ચાતો હોવાની રજૂઆત સાથે આ કામગીરીને સરળ બનાવવા એક જ પ્લેટફોર્મ ઊભું કરવા, વર્ષ 2017થી યથાવત FRC ફી સ્લેબમાં સુધારો કરવા તેમજ RTE હેઠળના વિદ્યાર્થીઓની ફીનું FRC મુજબ સમયસર ચુકવણું કરવા સહિતની મુખ્ય માંગણીઓ કરવામાં આવી છે.
મોરબી સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળ દ્વારા કલેક્ટર અને જિલ્લા શિક્ષણાધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. તેમાં શાળાઓને પડતી વહીવટી મુશ્કેલીઓ તથા FRC અને RTEને લગતા વિવિધ મુદ્દાઓ અંગે રજૂઆત કરવામાં આવી હતી. રજૂઆતમાં જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાક વર્ષોથી શાળાઓને અલગ-અલગ પ્રકારની ઓનલાઈન કામગીરીના પરિપત્રો મળતા રહે છે. આવી આશરે 52 પ્રકારની કામગીરીના કારણે શિક્ષકો અને શાળાના કર્મચારીઓનો નોંધપાત્ર સમય વહીવટી પ્રક્રિયામાં ફાળવવો પડે છે. તેના બદલે સરકાર દ્વારા એક સિંગલ પ્લેટફોર્મ તૈયાર કરવામાં આવે, જેમાં શાળાઓનો જરૂરી તમામ ડેટા એક જ જગ્યાએ સંગ્રહિત થઈ શકે. જેથી વારંવાર અલગ-અલગ પરિપત્રોના જવાબ અને વિગતો મોકલવાની કામગીરી ઘટે અને શિક્ષકોનો વધુ સમય વિદ્યાર્થીઓના શિક્ષણ પાછળ ફાળવી શકાય.
2017થી FRCનો ફી સ્લેબ યથાવત હોવાનો મુદ્દો
FRC અંગે રજૂઆત કરતાં સંચાલકોએ જણાવ્યું હતું કે, વર્ષ 2017માં FRCની વ્યવસ્થા અમલમાં આવી ત્યારથી ફીનો સ્લેબ યથાવત રહ્યો છે અને તેમાં કોઈ સુધારો કરવામાં આવ્યો નથી. વર્તમાન સમયમાં ઘણી શાળાઓ ફીમાં વધારો કરવા માટે વિગતવાર દરખાસ્ત રજૂ કરવાને બદલે એફિડેવિટ રજૂ કરવાની પ્રક્રિયા અપનાવે છે. તેથી જે શાળાઓને ફીમાં 10 ટકાથી ઓછો વધારો કરવાનો હોય તેમને માત્ર એફિડેવિટના આધારે ફી વધારો મંજૂર કરવાની વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ કરાઈ છે.
RTE હેઠળની ફી FRC મુજબ ચૂકવવા રજૂઆત
RTE હેઠળ શાળાઓમાં પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓની ફી અંગે પણ આવેદનપત્રમાં મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. સંચાલકોના જણાવ્યા મુજબ આ મુદ્દે હાઈકોર્ટમાં અપીલ કરવામાં આવી હતી અને હાઈકોર્ટ દ્વારા સંસ્થાઓને FRC દ્વારા મંજૂર કરાયેલી ફી અથવા નજીકની પ્રાથમિક શાળામાં વિદ્યાર્થી દીઠ થતા ખર્ચ પૈકી લાગુ પડતી રકમ ચૂકવવા અંગે સરકારને માર્ગદર્શન આપવામાં આવ્યું છે. આથી RTE હેઠળ પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓ માટે દરેક શાળાને FRC દ્વારા નિયત કરાયેલી ફીનું ચુકવણું સત્વરે કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.