જિલ્લા પંચાયતના આઇસીડીએસ વિભાગમાંથી મનપાને જવાબદારી સોંપાઈ
મોરબી : મોરબી મહાનગરપાલિકાની હદમાં સમાવિષ્ટ થયેલા ગ્રામ્ય અને શહેરી વિસ્તારોની કુલ 82 આંગણવાડીઓનું વહીવટી તંત્ર હવે બદલાયું છે. અત્યાર સુધી જિલ્લા પંચાયતના આઇસીડીએસ વિભાગ હેઠળ ચાલતી આ આંગણવાડીઓની જવાબદારી મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા મોરબી મહાનગરપાલિકાને સોંપવામાં આવી છે. પરિણામે હવે આ કેન્દ્રોનું સંચાલન, દેખરેખ અને સંબંધિત વહીવટી કામગીરી મહાપાલિકાના આઇસીડીએસ વિભાગ મારફતે કરવામાં આવશે.
મહાપાલિકાની હદમાં આવેલા વિસ્તારોમાં આંગણવાડી કેન્દ્રો મારફતે બાળકોને પોષણ અને પૂર્વ પ્રાથમિક શિક્ષણની સેવાઓ આપવામાં આવે છે. ઉપરાંત સગર્ભા મહિલાઓ અને ધાત્રી માતાઓને મળતી સેવાઓ તેમજ મહિલા અને બાળ વિકાસ વિભાગની વિવિધ યોજનાઓનો લાભ પણ આ કેન્દ્રો મારફતે પહોંચાડવામાં આવે છે.
મહાપાલિકાને 82 આંગણવાડીઓનો વહીવટ મળતાં હવે આ કેન્દ્રોની કામગીરી માટે સ્થાનિક સ્તરે સંકલન કરવાની જવાબદારી મહાપાલિકા તંત્રની રહેશે. આંગણવાડી કેન્દ્રો સાથે સંકળાયેલી કામગીરી, દેખરેખ અને યોજનાઓના અમલમાં મહાપાલિકાના સંબંધિત વિભાગ દ્વારા સંકલન કરવામાં આવશે.