Thursday - Sep 24, 2026

ભારતના ઇતિહાસ, સંસ્કૃતિ, પરંપરા અને રાષ્ટ્રીય જીવન વિશે 33 શાળાના વિદ્યાર્થીઓના જ્ઞાનની કરાઈ કસોટી

ભારતના ઇતિહાસ, સંસ્કૃતિ, પરંપરા અને રાષ્ટ્રીય જીવન વિશે 33 શાળાના વિદ્યાર્થીઓના જ્ઞાનની કરાઈ કસોટી

ભારત કો જાનોમાં વિવિધ તબક્કામાં પ્રશ્નોત્તરીમાં ભારતના ઇતિહાસ-સંસ્કૃતિના જ્ઞાનની કસોટીમાં પ્રાથમિકમાં સાર્થક વિદ્યામંદિર અને માધ્યમિકમાં સરદાર પટેલ વિદ્યાલય વિજેતા

મોરબી : ભારતના ઇતિહાસ, સંસ્કૃતિ, પરંપરા અને રાષ્ટ્રીય જીવન અંગે વિદ્યાર્થીઓનું જ્ઞાન વધે અને દેશના ગૌરવશાળી વારસા સાથે નવી પેઢી વધુ પરિચિત બને તે હેતુથી ભારત વિકાસ પરિષદ, મોરબી શાખા દ્વારા ‘ભારત કો જાનો’ મૌખિક પ્રશ્નમંચ યોજાયો હતો. તા. 20 સપ્ટેમ્બરે નીલકંઠ વિદ્યાલય ખાતે યોજાયેલી સ્પર્ધામાં પ્રાથમિક વિભાગની 23 અને માધ્યમિક વિભાગની 10 મળી કુલ 33 શાળાના વિદ્યાર્થીઓ જોડાયા હતા.

બપોરે 1થી 5 વાગ્યા દરમિયાન યોજાયેલી સ્પર્ધામાં વિદ્યાર્થીઓને વિવિધ તબક્કામાં પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. ભારતના ઐતિહાસિક વારસા, સંસ્કૃતિ, પરંપરા તથા રાષ્ટ્રીય ભાવના સાથે સંકળાયેલા વિવિધ વિષયો અંગેની જાણકારીની પ્રશ્નોત્તરીના માધ્યમથી કસોટી કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓએ ટીમ તરીકે પ્રશ્નોના જવાબ આપ્યા હતા અને દરેક તબક્કા સાથે સ્પર્ધા વધુ રસપ્રદ બનતી ગઈ હતી.

ભારત વિશે કેટલું જાણે છે તેની મૌખિક કસોટી

‘ભારત કો જાનો’નો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓમાં દેશ વિશેનું જ્ઞાન માત્ર પાઠ્યપુસ્તક પૂરતું ન રહે, પરંતુ ભારતના ઇતિહાસ અને સાંસ્કૃતિક વારસા અંગે જાણવાની ઉત્સુકતા વધે તેવો હતો. પ્રશ્નોત્તરી દરમિયાન વિદ્યાર્થીઓને ભારતની વિવિધ પરંપરા, સંસ્કૃતિ અને રાષ્ટ્રીય જીવન સાથે જોડાયેલા વિષયો અંગે પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. મૌખિક રીતે જવાબ આપવાની પદ્ધતિના કારણે વિદ્યાર્થીઓની જાણકારી સાથે તેમની હાજરજવાબીપણાની પણ કસોટી થઈ હતી.

વિવિધ રાઉન્ડ પૂર્ણ થયા બાદ પ્રાથમિક વિભાગમાં સાર્થક વિદ્યામંદિર, મોરબી પ્રથમ ક્રમે અને માધ્યમિક વિભાગમાં સરદાર પટેલ વિદ્યાલય, બંગાવડી પ્રથમ ક્રમે રહ્યું હતું. વિજેતા ટીમોને શિલ્ડ આપી સન્માનિત કરવામાં આવી હતી.

અગાઉની લેખિત પરીક્ષાના 86 વિદ્યાર્થીઓને પણ સન્માન

મૌખિક પ્રશ્નમંચ બાદ ઈનામ વિતરણ અને સમાપન સમારોહ યોજાયો હતો. અગાઉ શાળા કક્ષાએ યોજાયેલી લેખિત પરીક્ષામાં પ્રથમ અને દ્વિતીય ક્રમે આવેલા આશરે 86 વિદ્યાર્થીઓને શિલ્ડ, પ્રમાણપત્ર તથા ઉપયોગી શૈક્ષણિક સામગ્રી આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય અને વંદેમાતરમ્ ગાનથી કરવામાં આવી હતી. આ પ્રસંગે નીલકંઠ સ્કૂલના પ્રિન્સિપાલ જોશી, સુમિતભાઈ સંધાણી, રાજેશભાઈ મોકાસણા, ગોપાલભાઈ મૂછડીયા, મનહરભાઈ કુંડારીયા, કૌશિકભાઈ અઘારા, ડો. જયેશભાઈ પનારા, મહાદેવભાઈ રંગપરીયા અને અમરીશભાઈ વ્યાસ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રશ્નોત્તરીની વ્યવસ્થા હિરેનભાઈ ધોરિયાણી અને રાજુભાઈ ડાંગરે સંભાળી હતી. કાર્યક્રમનું સંચાલન વિનુભાઈ મકવાણાએ કર્યું હતું. સ્પર્ધાને સફળ બનાવવા પ્રોજેક્ટ સંયોજક પંકજભાઈ ફેફર, અધ્યક્ષ ચિરાગભાઈ હોથી, સચિવ વિશાલભાઈ બરાસરા તથા કોષાધ્યક્ષ હિરેનભાઈ ધોરિયાણીએ કામગીરી સંભાળી હતી.

ભારતના ઇતિહાસ, સંસ્કૃતિ, પરંપરા અને રાષ્ટ્રીય જીવન વિશે 33 શાળાના વિદ્યાર્થીઓના જ્ઞાનની કરાઈ કસોટી