મોરબી : મોરબી મહાનગરપાલિકાની ઈલેક્ટ્રિકલ શાખા દ્વારા મોરબી શહેરને લાઈટોથી ઝળહળાટ કરવા માટે સ્ટ્રીટ લાઈટો અને વિજપોલ નાખવાની કામગીરી તેજ કરવામાં આવી છે. જેમાં શનાળાથી ઘુનડા રોડ પર સ્ટ્રીટ લાઈટ સાથે પોલ નાખવાની કરવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. હાલમાં મહેન્દ્રનગરથી પીપળી રોડ સુધી મહાનગરપાલિકા હદ વિસ્તાર સુધી તથા શનાળા સર્કલથી રાજપર રોડ મહાનગરપાલિકા હદ સુધી સ્ટ્રીટ લાઈટ સાથે પોલ નાખવાની કામગીરી ચાલુ છે. આ કામ ટૂંક સમયમાં પૂર્ણ કરી શહેરમાંથી અંધકાર દૂર કરી રોશનીથી ઝળહળા કરવામાં આવશે.
બન્ને માર્ગોની કામગીરી પૂર્ણ થયા બાદ શહેરના અન્ય જરૂરી માર્ગો પર પણ આવશ્યકતા મુજબ નવા પોલ સ્થાપિત કરી સ્ટ્રીટ લાઈટ લગાવવામાં આવશે. ઉપરાંત, મોરબી મહાનગરપાલિકા ઈલેક્ટ્રિકલ શાખા દ્વારા મણી મંદિર તથા ગ્રીન ચોક ખાતે ડાયનેમિક લાઈટિંગ સ્થાપિત કરવા માટેની સંપૂર્ણ પ્રક્રિયા પૂર્ણ કરી એજન્સીને વર્ક ઓર્ડર આપવામાં આવ્યો છે. આ કામ પણ ટૂંક સમયમાં પૂર્ણ કરી મોરબી શહેરને વધુ આકર્ષક અને પ્રકાશિત બનાવવામાં આવશે. આગામી સમયમાં મોરબી શહેરમાં લાઈટોને લગતી તમામ સમસ્યાઓનું ઝડપી નિવારણ કરવામાં આવશે અને શહેરની લાઈટિંગ સંબંધિત તમામ જરૂરિયાતો પૂર્ણ થાય તે માટે મહાનગરપાલિકા દ્વારા સતત પ્રયાસો હાથ ધરવામાં આવશે.