ભગવાનથી પણ વિશેષ માતા-પિતાનો આદર અને સેવા કરવી એ દરેક પુત્રનો ધર્મ છે. પણ ઘણા એવા કપાતર પુત્ર નીકળે છે છે જે માતા-પિતા ઉપર બોજ બનીને ત્રાસ આપવામાં કઈ બાકી રાખતા નથી. આવી જ એક મોરબીમાં બનેલી ઘટનામાં કળિયુગી શ્રવણે માતા-પિતાનો આદર સત્કાર કરવાને બદલે માતાને ગાળો ભાંડી પિતાને લાકડાના ધોકાથી ફટકાર્યા હતા. એક તો કામધંધો કઈ કરતો ન હોય અને ઉપરથી પૈસા માંગતા માતાએ પૈસા આપવાનો ઇનકાર કળયુગી શ્રવણ રઘવાયો થયો હતો.
મોરબીના વાવડી રોડ ઉપર કારીયા સોસાયટીમાં રહેતા માકઈબેન મેઘાભા જુવા ઉ.વ.50 નામના મહિલા ગઈકાલે તેઓ, તેમના દીકરી રંજનબેન તેમજ પતિ મેઘાભા સાથે ઘેર હતા. તે સમયે તેમનો પુત્ર અજિત ઘેર આવીને પૈસા માંગ્યા હતા. પણ આ પુત્ર ઉંમર થઈ ગઈ હોવા છતાં કઈ કામધંધો કરતો ન હોય અને રખડપટ્ટી કરીને આવારાગિરી કરતો હોય માતાએ તેને સમજાવ્યું કે, આ સારા પુત્રના લક્ષણ નથી. એટલે કઈ કમાતો થા પછી પૈસા મંગાય કહી માતાએ પૈસા આપવાની ના પાડતા ઉશ્કેરાયેલા કળયુગી પુત્રએ
માતા અને બહેનને ગાળો આપવા લાગતા અજિતના પિતા મેઘાભાએ ગાળો નહિ બોલવાનું કહેતા ઉશ્કેરાઈ ગયેલા અજિતે પિતા મેઘાભાને લાકડાના ધોકા વડે માર માર્યો હતો અને માકઈબેન તેમજ પાડોશીઓએ મેઘાભાને બચાવતા આરોપી અજિતે પિતાને જાનથી મારી નાખવા ધમકી આપી હતી.આથી માતાએ પોતાના પુત્ર અજિત મેઘાભા ગઢવી વિરુદ્ધ મોરબી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.