ટંકારા તાલુકાના સખપર ગામે રહેતા ખેડૂતના બંધ મકાનમાં તસ્કરોએ ત્રાટકી બંધ મકાનમાં રાખેલો રૂ. 4.12 લાખથી વધુ કિંમતના જીરું અને લસણનો પાક ઉસેડી ગયા હતા. આ બનાવ અંગે ખેડૂતે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.
ટંકારા તાલુકાના સખપર ગામે રહેતા હસમુખભાઇ રણછોડભાઇ નામના ખેડૂતે પોતાના ખેતરમાં લસણ અને જીરુંનો પાક વાવવા તનતોડ મહેનત કરી હતી અને કાળી મજુરી કરીને તેઓએ ખેતરમાંથી લસણ અને જીરુંનો પાક લણીને વેચવા જવા માટે પોતાના એક બંધ મકાનમાં રાખ્યો હતો. ત્યારે આ ખેડૂતને ક્યાં ખબર હતી કે, આ પાક જે આકરી મહેનતથી મેળવેલો હતો તેની કોઈ ચોરી કરી જશે. બન્યું એવું કે, તેઓએ જે બંધ મકાનમાં લસણ, જીરુનો પાક રાખ્યો હતો તે મકામને તસ્કરોએ નિશાન બનાવી બંધ મકાનમાંથી ગત. તા.5ના રોજ કોઈ અજાણ્યા તસ્કરો જીરૂ ભરેલ શણના નાના મોટા કોથળા નંગ-36માં ભરેલ આશરે 75 મણ જીરું કિંમત રૂપિયા 3,7,500 તેમજ લસણ ભરેલ શણના નાના મોટા કોથળા નંગ- 11માં ભરેલ આશરે 30 મણ લસણ કિંમત રૂપિયા 75હજાર સહિત 4,12,500નો જથ્થો ચોરી કરી જતા આ ખેડૂત મુશ્કેલીમાં મુકાય ગયા છે.