મોરબી તાલુકાના વિસ્તારોમાં બે અલગ અલગ અકસ્માતના બનાવ બન્યા હતા અને બન્ને અકસ્માતના બનાવમાં બેના મોત નિપજ્યા હતા. જેમાં હિટ એન્ડ રનનક બનાવમાં મોરબી નજીક વૃદ્ધને કચડી ટ્રક ચાલક ફરાર થઈ ગયો હતો. તેમજ બીજા બનાવમાં મોરબી પાસે ચાલુ રિક્ષામાંથી નીચે પટકાતા વૃદ્ધાનું મોત નીપજ્યું હતું.
મોરબી તાલુકાના ખેવારિયા ગામથી બરવાળા જવાના રસ્તે સીએનજી રિક્ષા નંબર GJ-36-W-4510ના ચાલકે પોતાની રીક્ષા બેફિકરાઈથી ચલાવતા રીક્ષામાં બેઠેલા અને નીરૂબેનનગર તા.માળીયા મિયાણામાં રહેતા આઇશાબેન સલેમાનભાઇ કમોરા ઉ.વ. 60, રિક્ષામાંથી પડી જતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું, ઘટના અંગે મૃતકના પુત્ર જાનમામદ સલેમાનભાઇ કમોરાએ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે. બીજા બનાવમાં મોરબી – વાંકાનેર નેશનલ હાઇવે ઉપર જાંબુડિયા ગામના ઓવરબ્રિજ નજીક રસ્તો ઓળંગી રહેલા પ્રભુભાઇ ચતુરભાઇ સાંથલીયા ઉ.72 નામના વૃઘ્ધને જીજે -12 -એયૂ- 9329 નંબરના ટ્રક ચાલકે ટ્રકના જોટા હેઠળ ચગદી નાખી ટ્રક રેઢો મૂકી નાસી જતા અકસ્માતની આ ઘટના અંગે મૃતકના પુત્ર દિનેશભાઇ પ્રભુભાઇ સાંથલીયા રહે. જાંબુડિયા ગામ વાળાએ મોરબી તાલુકા પોલીસ મથકમાં આરોપી ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.