મોરબીના સામાકાંઠા વિસ્તાર એટલે વોર્ડ નબર-4ના સોઓરડી સહિતના વિસ્તારોમાં વર્ષોથી ભૂગર્ભ ગટરની ગંભીર સમસ્યા છે. ઘણી વખત ગટર એટલી હદે ઉભરાય છે કે, ભૂગર્ભ ચોકઅપ થઈને ઘરોમાં પાણી ઘુસી જતા હોવાથી પારાવાર પીડા સાથે જનજીવન ભારે પ્રભાવિત થયું છે. આથી પૂર્વ કાઉન્સિલરોએ નગરપાલિકા સમક્ષ તેમના વિસ્તારના ગટરના પ્રશ્નનો કાયમી ઉકેલ માટે સાધન સુવિધા અને સ્ટાફનો યોગ્ય સહયોગ માંગ્યો છે.
મોરબીના વોર્ડ નબર-4ના પૂર્વ કાઉન્સિલરો જસવંતીબેન સુરેશભાઈ શિરોહિયા, મનીષાબેન ગૌતમભાઈ સોલંકી, ગિરિરાજસિંહ ઝાલા, મનસુખભાઇ બરાસરાએ નગરપાલિકાના વહીવટીદાર સમક્ષ રજૂઆત કરતા જણાવ્યું હતું કે, સામાકાંઠાનો સોઓરડી વિસ્તાર અગાઉ સુવિધાઓના અભાવે પછાત ગણાતો હોય પણ હવે જિલ્લા કલેકટર, એસપી, જિલ્લા પંચાયત, સહિતની મોટાભાગની જિલ્લા કક્ષાની કચેરી થતા હવે આ વિસ્તારોની કાયાપાલટ થઈ છે. સારા રોડ રસ્તા, પાણી, લાઈટ સહિતની મૂળભૂત જરૂરિયાતોમાં ઉપલબ્ધ થઈ હોવાની વચ્ચે ફક્ત એક ભૂગર્ભ ગટરનો સળગતો પ્રશ્ન છે.એટલે ગટર ઉભરાવવાના પ્રશ્ન વધુ ગંભીર હોય તેઓ આ પ્રશ્ન ઉકેલવા માટે સતત પ્રયત્ન કરતા હોય પણ સાધન સુવિધાના અભાવે સફાઈ યોગ્ય રીતે થતી ન હોવાથી ભૂગર્ભ કોઈને કોઈ શેરી ગલીમાં છાસવારે ઉભરાય છે અને ઉભરાતી ગટરથી લોકો ભારે ત્રસ્ત હોય આ સમસ્યાના કાયમી ઉકેલ તેમજ ચોમાસામાં પહેલા આ સમસ્યાનો અંત લાવવામાં રીક્ષા, સફાઈ કર્મીઓ સહિતની સાધન સુવિધા આપવાની માંગ કરી છે.